બોલીવૂડની હોટ અભિનેત્રી સની લીઓનીએ ‘જિસ્મ-ટુ’ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર પછી તેણે હિન્દી ફિલ્મોના ટોચના કલાકારો સાથે આઇટમ સોંગ્સ કર્યાં. હવે તેણે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવાનું મન બનાવ્યું છે. તેને મલયાલમ ફિલ્મ ‘શેરો’ અને તમિલની ‘ઓહ માય ઘોસ્ટ’માં કામ કરવાની તક મળી છે.
તે મલયાલમ ફિલ્મ અંગે કહે છે કે, આ ફિલ્મ માટે મેં ખૂબ મહેનત કરી છે. પછી તે એક્શન દ્રશ્યો માટે હોય કે પછી ભાષા બાબતે. તેણે વધુમાં કહ્યું હતું કે, કેટલીક ફિલ્મો આપણા માટે પડકારજનક બની રહે છે. તેમાં આપણે એ બધું કરવાનું હોય છે જે આપણે અગાઉ ક્યારેય ન કર્યું હોય. સ્વાભાવિક રીતે જ પ્રથમવાર કરવામાં આવતું કોઇપણ કામ થોડું મુશ્કેલ પડે. પરંતુ મને એ વાતની ખુશી છે કે મેં મારું કામ સારી રીતે કરી બતાવ્યું. આ કારણે જ મને આ ફિલ્મ રસપ્રદ લાગી રહી છે. હકીકતમાં મારી ટીમ પાસે જ્યારે આ ફિલ્મની સ્ક્રીપ્ટ આવી ત્યારે અમે બે વખત વિચાર કર્યા વિના જ તે સ્વીકારી લીધી હતી.
તમિલમાં હોરર ફિલ્મ છે. અગાઉ તેણે આવી હિન્દી ફિલ્મ ‘રાગિણી એમ એમ એસ-2’ કરી હતી. સની અભિનયની સાથે એનએફટીમાં પણ સંકળાઇ છે. આ ક્ષેત્રે જોડાનારી તે સૌપ્રથમ સેલિબ્રિટી છે. તે તેના કલેક્શન અહીં વેચે છે અને તેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ બાબતે સની કહે છે કે દર્શકો સાથે જોડાવાનો આ એક અલગ માર્ગ છે. આ નવી કોમર્સ સ્પેસ જુદી રીતે કામ કરે છે. અલબત્ત, તમે તેને શી રીતે પ્રમોટ કરો છો તેના ઉપર તેની સફળતાનો આધાર રહે છે. અહીં જુદાં પ્રકારના લોકો ક્રિપ્ટોના ઉપયોગ કરીને ખર્ચ, વેપાર કરે છે. તે વધુમાં કહે છે કે મેં અને મારા પતિ ડેનિયલ લગભગ દોઢેક વર્ષ પહેલાં આ ક્ષેત્રે સંકળાયા હતાં. અને પછી તેનું ચલણ વધતાં અમે તેના ઉપર વધુ સંશોધન કર્યું. આ રીતે અમે અમારી ટીમ વિકસાવી.