સની દેઓલની ફિલ્મી કારકિર્દીમાં ‘ગદર: એક પ્રેમ કથા’નું ખૂબ જ મોટું યોગદાન છે. તે કહે છે કે તેણે કદી પણ નહોતું વિચાર્યું કે ‘ગદર: એક પ્રેમ કથા’નાં સંવાદો અને ગીતો ખૂબ જ લોકપ્રિય બની જશે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમિષા પટેલ, અમરીશ પુરી અને લિલેટ દુબે પણ હતાં. આ ફિલ્મ વર્ષ જુન 2001માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સની દેઓલે તારા સિંહનું પાત્ર ભજવ્યું હતું.
ફિલ્મ અંગે સની દેઓલે કહ્યું હતું કે ‘હાઈ-ડ્રામા અને એક્શનથી ભરપૂર ‘ગદર: એક પ્રેમ કથા’ એક સુંદર લવ સ્ટોરી હતી. મને આજે પણ યાદ છે કે હું ઊટીમાં શૂટિંગ કરી રહ્યો હતો અને અનિલ શર્માએ મને એની સ્ટોરી સંભળાવી હતી. મને એ સ્ટોરી ખૂબ પસંદ આવી હતી. હંમેશાંની જેમ હું મારા દિલનું સાંભળતો આવ્યો છું અને આવી રીતે તેની શરૂઆત થઈ. મારી કારકિર્દીમાં મને ઘણા સારો પાત્રો ભજવવાની તક તક મળી છે. જોકે તારા સિંહનું પાત્ર ખૂબ જ વિશેષ છે. તે નમ્ર અને સારો વ્યક્તિ છે, પરંતુ વાત જ્યારે તેના પરિવારની અને દેશની આવે છે તો તે આખા વિશ્વને હચમચાવે છે. આ પાત્ર દ્વારા હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો હતો. એ સમયે અમે ધાર્યું નહોતું કે આ ફિલ્મ આટલી સુપર-ડુપર હિટ જશે. ફિલ્મની રિલીઝને ૨૦ વર્ષનો સમય પસાર થયો એ ખુશીની વાત છે.