2014-15માં સધર્ક કાઉન્સિલના મેયર તરીકેનું પદ સંભાળી ચૂકેલા ભારતીય મૂળના કાઉન્સિલર સુનિલ ચોપરા ત્રીજી વખત સધર્ક કાઉન્સિલના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઇ આવ્યા છે. સુનિલ ચોપરા સધર્કમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય મૂળના કાઉન્સિલર અને ડેપ્યુટી મેયર છે.
સુનીલ ચોપરા 32 વર્ષથી સધર્કમાં રહે છે અને 2010થી નનહેડના કાઉન્સિલર તરીકે સેવાઓ આપે છે. તેઓ ડીસીપ્લીનરી અપીલ્સ કમીટી અને લાઇસન્સિંગ કમીટીના અધ્યક્ષ સહિત વિવિધ કાઉન્સિલ પદે રહી ચૂક્યા છે. તેઓ સધર્કના વિવિધ સમુદાયો, ફેઇથ ગૃપ્સ અને બિઝનેસ લીડર્સને સાથે જોડાવા માટે મદદ કરે છે. તેઓ વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા અને યુવાન બેરોજગાર લોકોને તાલીમ અને રોજગારની તકો પૂરી પાડવા માટે ઉત્સાહપૂર્ણ છે.
શ્રી ચોપરાને એશિયન ડાયસ્પોરા સાથે જોડાયેલા યુકેના બિઝનેસીસ અને સખાવતી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં ઉંડો રસ છે.તેઓ સધર્ક હિન્દુ સેન્ટરના સ્થાપક ટ્રસ્ટી અને હાલમાં પ્રમુખ છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ, એલએલબીનો અભ્યાસ કર્યો છે અને તેઓ દિલ્હીની કૉલેજ ઑફ વોકેશનલ સ્ટડીઝના પ્રથમ પ્રમુખ હતા. તેઓ વર્ષ 1975 માં ભારતમાં વિધ્યાર્થી સંગઠન એનએસયુઆઈ પ્રમુખ હતા અને ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ કોંગ્રેસના મહાસચિવ પણ છે.