રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે બ્રિટનની દુકાનો અને સુપરમાર્કેટમાં સૂર્યમુખીના તેલની અછત થશે એવી તેલના સૌથી મોટા ઉત્પાદકે ચેતવણી આપી છે. યુક્રેનમાં યુદ્ધને કારણે હવે માત્ર થોડા અઠવાડિયાનો પુરવઠો જ બાકી છે અને તેને કારણે ભાવો પણ વધી શકે છે. આને કારણે લોકો અન્ય ખાદ્ય તેલો તરફ નજર દોડાવી રહ્યા છે.
સાઉથઇસ્ટ લંડનના એરિથ સ્થિત એડિબલ ઓઇલ્સના કોમર્શીયલ ડાયરેક્ટર કિમ મેથ્યુઝે બીબીસીને જણાવ્યું હતું કે ‘’સૂર્યમુખી તેલનો 80 ટકા વૈશ્વિક પુરવઠો રશિયા અથવા યુક્રેનમાંથી આવે છે. યુધ્ધને કારણે સૂર્યમુખીના ફૂલને દેશની બહાર લાવી શકાય તેમ નથી. યુક્રેનિયન ખેડૂતોએ હવે ઓક્ટોબર અને નવેમ્બરમાં લણણી લેવા માટે ખેડૂતોએ અત્યારે બીજ વાવવાની જરૂર છે. પણ તેવું થવાનું નથી. તેથી અમને તેની 12થી 18 મહિના સુધી અસર થઈ શકે છે.”
રશિયાએ જાહેરાત કરી હતી કે તે ઓગસ્ટના અંત સુધીમાં સૂર્યમુખીના બીજની નિકાસ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે અને સૂર્યમુખીના તેલ પર નિકાસ ક્વોટા લાદશે.
નેશનલ એડિબલ ઓઈલ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશને કહ્યું છે કે ‘’બ્રિટનમાં ઉગાડવામાં આવેલા રેપસીડનું ઓઈલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. તેની કિંમતમાં 80 ટકા સુધીનો વધારો થયો છે.’’
ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીએ દુકાનદારોને ખાદ્યપદાર્થોમાં વપરાતું તેલ બદલાયું છે કે કેમ તે જોવા માટે લેબલ તપાસવાની સલાહ આપી છે.