ચાન્સેલર ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ શુક્રવારે તા. 20ના રોજ જાહેર કરાયેલા વાર્ષિક ‘સન્ડે ટાઈમ્સ રીચ લિસ્ટ’માં અંદાજિત £730 મિલિયનની સંયુક્ત સંપત્તિ સાથે 222માં સ્થાન સાથે પ્રવેશ કર્યો છે. ભારતીય મૂળના હિન્દુજા બંધુઓ શ્રી અને ગોપીચંદ હિન્દુજાને અંદાજિત £28.472 બિલિયનની સંપત્તી સાથે બ્રિટનના સૌથી શ્રીમંત વ્યક્તિ જાહેર કરાયા છે. આ રીચ લીસ્ટના 34 વર્ષમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યુકેના સૌથી ધનાઢ્ય લોકોના વાર્ષિક રેન્કિંગમાં પ્રથમ ફ્રન્ટલાઈન રાજકારણી તરીકે સુનકનું નામ જાહેર કરાયું છે.
ભારતની વિખ્યાત આઇટી ફર્મ ઈન્ફોસિસના સહ-સ્થાપક એન આર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કરનાર 42 વર્ષીય ચાન્સેલર સુનક ભૂતપૂર્વ હેજ ફંડ મેનેજર છે. 2015માં કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે તેમની નાણાકીય કારકિર્દી છોડી દીધી હતી. તેમની ગણના બોરિસ જૉન્સનના વારસદાર અને વડા પ્રધાન પદના પ્રબળ દાવેદાર તરીકે કરવામાં આવે છે. જો કે તેમની પત્ની અક્ષતા મૂર્તિ, “નોન-ડોમ” હોવાના દાવા અને સુનક યુએસનું ગ્રીનકાર્ડ ધરાવતા હોવાના દાવાઓને પગલે સુનકની લોકપ્રિયતામાં ભારે ધટાડો થયો હતો.
આક્ષતા મૂર્તિ ઇન્ફોસિસના 0.93 ટકા શેર ધરાવે છે, જે લગભગ £690 મિલિયનના છે. છેલ્લાં સાડા સાત વર્ષમાં લગભગ £54 મિલિયન ડિવિડન્ડ મળ્યું હોવાનું સમજાય છે. અક્ષતા હવે ભારતની કમાણી પર યુકે કર ચૂકવવા માટે સંમત થઈ છે.” સુનકે સરકારી નીતિ નિયમોનો ભંગ કર્યો છે કે કે તે અંગે ઇન્ડિપેન્ડન્ટ મિનિસ્ટરીયલ એથીક્સ એડવાઇઝર દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે.
શ્રી અને ગોપીચંદ હિન્દુજા અને તેમનો પરિવાર ગયા વર્ષે ત્રીજા સ્થાને સરકી ગયા પછી ‘સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’ રેન્કિંગમાં આ વર્ષે ફરીથી ટોચ પર પાછા ફર્યા છે. આ યાદીના ઇતિહાસમાં સૌથી મોટી સંપત્તિ તેમના નામે નોંધાઈ હતી.
હિંદુજા પરિવારની વ્યવસાયિક સામ્રાજ્યમાં આ વર્ષ બમ્પર રહ્યું છે. તેમની મોટાભાગની સંપત્તિ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં જોવા મળે છે. મુંબઈ સ્થિત ઇન્ડસઇન્ડ બેંકમાં પરિવારનો હિસ્સો હવે £4.545 બિલિયનનો છે. ચેન્નાઈમાં મુખ્ય મથક ધરાવતી વાહન ઉત્પાદક કંપની અશોક લેલેન્ડમાં હોલ્ડિંગ £2.663 બિલિયનનું: IT જાયન્ટ હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સમાં £1.283 બિલિયન અને અન્ય લિસ્ટેડ કંપનીઓના શેરમાં £1.174 બિલિયનનો છે.
ત્રીજા સ્થાને ભારતમાં જન્મેલા અન્ય ભાઈઓ, ડેવિડ અને સિમોન રૂબેન અને તેમના પરિવારનો અંદાજિત £22.265 બિલિયનની સંપત્તિ સાથે છે. છઠ્ઠા સ્થાને £17 બિલિયન સાથે NRI સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ આવે છે, આર્સેલર મિત્તલ સ્ટીલવર્ક દ્વારા ગયા વર્ષે તેમની સંપત્તિમાં લગભગ £2.3 બિલિયન ઉમેર્યા છે.
2022ની યાદીમાં £9.2 બિલિયનની સંપત્તી સાથે 16મા ક્રમે મેટલ બિઝનેસમેન અનિલ અગ્રવાલ, 39મા ક્રમે £4.73 બિલિયનની સંપત્તી સાથે રિટેલ ઉદ્યોગપતિ મોહસિન અને ઝુબેર ઈસા, અંદાજિત £4.37 બિલિયનની સંપત્તી સાથે 41મા ક્રમે પ્રકાશ લોહિયા અને £2.543 બિલિયનની સંપત્તી સાથે સિમોન, બોબી અને રોબિન અરોરા 69મા ક્રમે છે.
ટોચના 100માં NRI ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ અને પરિવાર તેમજ વર્ષા અને નવીન એન્જિનિયર £2.5 બિલિયનની સંપત્તી સાથે સંયુક્ત રીતે 72 નંબર પર છે. ત્યારબાદ બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો અને જ્હોન શૉ £2.496 બિલિયનની સંપત્તી સાથે નંબર 75 પર છે. હોટેલીયર્સ જસ્મિન્દર સિંઘ અને પરિવાર નંબર £1.824 બિલિયનની સંપત્તી સાથે 99 નંબર પર છે.
એકંદરે, યુકેમાં હવે 2021 કરતા છ વધુ એટલે કે 177 બિલીયોનેર છે જેમની સંયુક્ત સંપત્તિ £653 બિલીયન છે. જેમાં ગયા વર્ષ કરતા કુલ સંપત્તિમાં £55 બિલિયન (9.4 ટકા)નો નધારો થયો છે.
યુકેના ટોચના 10 સૌથી ધનિક લોકો
શ્રી અને ગોપી હિન્દુજા અને પરિવાર – £28.5 બિલીયન
સર જેમ્સ ડાયસન અને પરિવાર – £23 બિલીયન
ડેવિડ અને સિમોન રૂબેન અને પરિવાર – £22.3 બિલીયન
સર લિયોનાર્ડ બ્લાવટનિક – £20 બિલીયન
ગિલેમ પોસાઝ – £19.3 બિલીયન
લક્ષ્મી મિત્તલ અને પરિવાર – £17 બિલીયન
ક્રિસ્ટોફ હેન્કેલ અને પરિવાર – £15 બિલીયન
ગાય, જ્યોર્જ, એલનાહ અને ગેલેન વેસ્ટન અને કુટુંબ – £13.5 બિલીયન
કર્સ્ટન અને જોર્ન રાઉસિંગ £12 બિલીયન
ચાર્લેન ડી કાર્વાલ્હો-હેઈનકેન અને મિશેલ ડી કાર્વાલ્હો – £11.4 બિલીયન