સરકાર સંભાળવાની યોગ્યતા પાછી આવ્યા બાદ વિગતવાર અને માઇક્રો-ગવર્નિંગ શૈલી માટે વ્હાઇટહોલને આશ્ચર્યચકિત કરી સૌની સરાહના મેળવનાર વડા પ્રધાન ઋશિ સુનક પર પોતાના જ ટોરી સાથીદારોને પ્રેરણા આપવાની જવાબદારી મૂકાઇ રહી છે.
નાની બોટોમાં યુકેમાં ધુસી આવતા વસાહતીઓ માટેની યોજનાનું અનાવરણ કર્યા પછી રાહત અનુભવતા ઋષિ સુનક આ યોજના માટે દરરોજ રાત્રે 9-10 વાગ્યા સુધી કામ કરતા હતા. તેમણે હકીકતો, કાનૂની અભિપ્રાય અને પોલીસી એડવાઇઝ માટે અઠવાડિયાઓ ગાળ્યા હતા અને કદાચ આ યોજના વિષે તેઓ ઘણા અધિકારીઓ અને મંત્રીઓ કરતાં વધુ જાણે છે.
સૂત્રો કહે છે કે સુનક વ્હાઇટહોલમાં ચાલી રહેલી દરેક બાબતમાં રસ ધરાવે છે અને સરકારમાં લેવાતા નિર્ણયોની “દરેક વિગતો”ની સમીક્ષા કરે છે. સુનકે વારંવાર સહાયકોને કહે છે કે સરકાર પાસે પરિણામો આપવા માટે હવે “માત્ર 18 મહિના” બાકી છે અને તેઓ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
સરકાર સામે બેકલોગ છે, પડતર કામકાજ છે પણ સરકારે તેની ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સ્થિતી નિયંત્રણમાં છે.
કેટલાક આશાવાદીઓ નિર્દેશ કરે છે કે ઘણા મતદારો સરકારને પસંદ નથી કરતા. પણ જો સુનક બતાવી શકે કે તેઓ સક્ષમ વડા પ્રધાન છે તો તેઓ 2024માં તેમને બીજી તક આપવા તૈયાર થઈ પણ શકે છે. ટોરી વ્યૂહરચનાકારો માને છે કે લગભગ પાંચમાંથી એક મતદાર અનિર્ણિત છે, જે સરેરાશ કરતાં બમણા છે. પરંતુ સુનક સતત પોતાના પક્ષ કરતાં આગળ રહ્યા છે. પરંતુ નિરાશાવાદીઓ, જેમાં કેટલાક બેકબેન્ચર્સનો સમાવેશ પણ થાય છે. તેઓ જવાબ આપે છે કે આ લોકો વધુ પડતો આશાવાદી છે.
નવા વર્ષમાં ભાષણ માટે ડાઉનિંગ સ્ટ્રીટની અંદર યોજનાઓ તૈયાર કરાઇ રહી છે જે અંતર્ગત સુનક ‘ટાઇમ ફોર ચેન્જ’નું વિઝન રજૂ કરશે, જેમાં દેશ માટે સુનક લાંબા ગાળાની મહત્વાકાંક્ષા વિશે વધુ જણાવશે. એક કેબિનેટ મિનિસ્ટરે તો જણાવ્યું હતું કે તેઓ બ્રિટનની ટેક્નોલોજી, શિક્ષણ, જીવન વિજ્ઞાન અને ફિનટેક ઉદ્યોગોને વેગ આપવા તરફના પરિવર્તનનો સંકેત આપશે.
ક્રિસમસ પછી સુનક નર્સો અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરો જેવા કામદારો માટે હડતાળ કરવી મુશ્કેલ બનાવતા યોજનાઓનું અનાવરણ કરશે. તાજેતરમાં જ સુનકે ભારપૂર્વક જણાવ્યું હતું કે નર્સોને કરાયેલી વર્તમાન પગારની ઓફર “યોગ્ય અને ન્યાયી” છે.