બ્રિટનના ચાન્સેલર ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિના શેર ધરાવતી બે કંપનીઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન ફસડાઈ પડી હતી અને તેમણે વેરા પેટે £623,000 ચૂકવવાના બાકી નીકળે છે. મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે, એક કંપનીએ તો સુનકની કોવિડ લોન પેટે £1.3 મિલિયન પણ મેળવ્યા હતા.
સુનકના પત્ની અક્ષતા મૂર્તિ પાસે સકારાત્મક સામાજિક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરતી ખાનગી સભ્યોની ક્લબ લાવા મેફેર ક્લબ લિમિટેડનો હિસ્સો હતો. આ ક્લબે લેણદારોને £43.7 મિલિયન ચૂકવવાના છે. તેમજ હર મેજેસ્ટી રેવન્યુ અને કસ્ટમ્સ (HMRC) ને £374,000 ચૂકવવાના છે. લાવા મેફેરે સ્ટાફને ફર્લો પર મૂક્યો હતો. પરંતુ તેણે ભાડુ ન ચૂકવતા મકાનમાલિકે દાવો કર્યા પછી તે કામ ચાલુ રાખી શકી ન હતી. અહેવાલો મુજબ તેણે મેટ્રો બેન્કને પણ £9.9 મિલિયન ચૂકવવાના છે.
ઉપરાંત, તેણીની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કેટામરન વેન્ચર્સ એક શૈક્ષણિક પેઢી મીસીસ વર્ડસ્મિથ લિમિટેડના 53 શેરધારકોમાંની એક છે. તેણે સરકારના ફ્યુચર ફંડમાંથી £1.3 મિલિયનની લોન પ્રાપ્ત કરી હોવા છતાય £16.3 મિલિયનના કારણે માર્ચમાં એડમિનિસ્ટ્રેશનમાં આવી ગઈ હતી. પેઢીએ સ્ટાફને ફર્લો પર મૂક્યો હતો પરંતુ HMRC અને અન્ય મુખ્ય લેણદારોના દબાણનો પ્રતિકાર કરવામાં હવે તે સક્ષમ નથી. બાળકો માટે મલ્ટીમીડિયા પુસ્તકોનું ઉત્પાદન કરતી કંપનીએ હવે આવકવેરા અને નેશનલ ઇન્સ્યુરંશના £249,000 ચૂકવવાના બાકી છે.
ભારતના બિલીયોનેર નારાયણ મૂર્તિની 41 વર્ષની દિકરી અક્ષતા તેના પિતાના વૈશ્વિક આઈટી બિઝનેસ ઈન્ફોસિસમાં હિસ્સો હોવાને કારણે બ્રિટનની સૌથી ધનિક મહિલાઓમાંની એક છે. તે મહારાણી કરતાં પણ અમીર છે અને સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ મુજબ તેની સંપત્તિ અંદાજે £350 મિલિયન છે.