ચાન્સેલર ઋષિ સુનકે નવા ટેક્સ ટૂલનું અનાવરણ કર્યું જે દર્શાવશે કે આગામી જુલાઈમાં નેશનલ ઈન્સ્યોરન્સ માટેનો થ્રેશોલ્ડ વધ્યા પછી લોકો કેટલો ટેક્સ ચૂકવશે. ઓનલાઈન ટૂલની સાથે ટ્રેઝરીએ એક નવું ફાઈનાન્સિયલ સપોર્ટ અને બેનિફિટ્સ ચેકર ટૂલ પણ લોન્ચ કર્યું છે.
ચાન્સેલરે અગાઉ તેમના સ્પ્રિંગ સ્ટેટમેન્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ નેશનલ ઈન્સ્યોરન્સ (£9,880 થી £12,570)ના બ્રેકેટમાં વધારો કરનાર છે જે 6 જુલાઈથી અમલમાં આવશે. આ ઑનલાઇન ટૂલ લોકોના પગારની માહિતીનો ઉપયોગ કરી બતાવશે કે તેઓ કેટલો ટેક્સ ચૂકવશે અને કેટલો પગાર ઘરે લઇ જઇ શકશે. આ આંકડો નેશનલ ઇન્સ્યોરન્સ કોન્ટ્રીબ્યુશન્સ (NICs) લેવામાં આવ્યા પછીનો અંદાજીત પગાર હશે. તે એ પણ અંદાજ લગાવશે કે એક વર્કર જુલાઈ 2021થી જૂન 2022 સુધી કેટલો ટેક્સ અને NI ચૂકવશે અને તેની તુલના જુલાઈ 2022 અને જૂન 2023 સાથે કરશે.
ટ્રેઝરીએ જણાવ્યું હતું કે આ ટૂલ આ મોંઘવારી દરમિયાન “લોકોના બજેટમાં મદદ” કરશે. ચાન્સેલરે કહ્યું હતું કે આ થ્રેશોલ્ડમાં વધારો દર વર્ષે કામદારોના આશરે £330નો ટેક્સ બચાવશે. યોગદાનમાં 1.25 ટકાના વધારા થયો હોવા છતાં 10 માંથી સાત લોકો NIની ઓછી ચૂકવણી કરશે.
સપ્ટેમ્બર 2021માં જાહેર કરાયેલો NIનો વધારો હેલ્થ એન્ડ સોશિયલ કેર લેવી તરીકે ઓળખાતો એક અલગ ટેક્સ બનશે. જે NHSને સીધું ભંડોળ પૂરું પાડશે અને કોવિડ-19 રોગચાળાનો બેકલોગ દૂર કરશે. આ લેવીથી દર વર્ષે આશરે £12 બિલિયન એકત્ર થવાની ધારણા છે.
£400ની ઉર્જા બિલની છૂટ અને 8 મિલિયન પરિવારોની £1,200ની સીધી ચૂકવણી લોકોને મોંઘવારીના માર સામે બચાવવામાં મદદ કરશે.