સૌથી ધનાઢ્ય બ્રિટિશ રાજકારણીઓમાંના એક વડા પ્રધાન ઋષિ સુનકે 2019માં ફ્રન્ટલાઈન રાજકારણી બન્યા ત્યાર પછીથી £1 મિલિયન કરતાં વધુ રકમનો ટેક્સ ભર્યો હતો. તેમણે 2019 અને 2022 વચ્ચે કુલ £4.766 મિલિયનની કમાણી કરી હતી અને £1.053 મિલિયન ટેક્સ પેટે ચૂકવ્યા હતા. જે લગભગ 22 ટકાના ટેક્સ દરે હતા. જ્યારે તેઓ ચાન્સેલર હતા ત્યારે તેમણે £1.9 મિલિયનની કુલ આવક પર £120,604 આવકવેરા તરીકે અને £325,826 કેપિટલ ગેઇન ટેક્સમાં ચૂકવ્યા હતા.
સુનકે જણાવ્યું હતું કે “મેં આપેલા વચન મુજબ પારદર્શિતાના હિતમાં મારા ટેક્સ રિટર્ન જાહેર કર્યા છે અને મને તે કરવા બદલ ખુશી છે. મને ખબર છે કે આખરે લોકોને શેમાં રસ છે.”
ગયા વર્ષે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની ચૂંટણી ઝુંબેશ દરમિયાન તેમની નાણાકીય બાબતો ચર્ચામાં આવ્યા બાદ સુનક પર તેમનું ટેક્સ રિટર્ન પ્રસિધ્ધ કરવા માટે દબાણ કરાયું હતું. તે વખતે તેમની પત્ની અક્ષતા મૂર્તિના નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ માટે વિવાદ થયો હતો. જે સ્ટેટસ તેમણે બાદમાં છોડ્યું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન કેમરને પનામા પેપર્સમાં તેમના સ્વર્ગસ્થ પિતાના ઑફશોર ફંડ વિશેના ઘટસ્ફોટ પછી 2016માં તો થેરેસા મેએ 2016માં ટોરી લીડર બનવાની ઝુંબેશ દરમિયાન ટેક્સ રિટર્ન બહાર પાડ્યું હતું. જ્યારે બોરિસ જોન્સન અને લિઝ ટ્રસે તેમના ટેક્સ રિટર્ન પ્રસિધ્ધ કર્યા ન હતા.