આ વર્ષના અંત સુધીમાં ફુગાવો અડધો કરવાનું લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયું હોવાથી વડા પ્રધાન ઋષિ સુનકે હવે “જવાબદારીપૂર્વક” કર ઘટાડવા માટે તૈયાર હોવાનું વચન આપ્યું છે. જો કે આ અઠવાડિયે નિર્ધારિત ઓટમ સ્ટેટમેન્ટ બજેટ પહેલા ચેતવણી આપીને કહ્યું હતું કે સરકાર “એક જ સમયે બધું” કરશે નહીં.
અટકળો છે કે ચાન્સેલર જેરેમી હન્ટ તા. 22ને બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં ઓટમ સ્ટેટમેન્ટમાં કરવેરાના કેટલાક પગલાઓનું અનાવરણ કરશે.
સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ આગામી ચૂંટણીમાં લાભ લેવા ટેક્સ કટનો ઉપયોગ કરવા દબાણ કરી રહ્યા છે ત્યારે સુનકે કહ્યું હતું કે તેઓ શિસ્તબદ્ધ રીતે કરવેરા તરફ વળીને આર્થિક વૃદ્ધિના આગામી તબક્કાને અમલમાં મૂકવા માગે છે.
સુનકે નોર્થ લંડનમાં એક ભાષણમાં કહ્યું હતું કે “હું કર ઘટાડવા માંગુ છું અને કર ઘટાડવામાં માનું પણ છું. આપણે એવું કંઈ પણ કરવાનું ટાળવું જોઈએ જે ફુગાવાને અંકુશમાં રાખવાની આપણી પ્રગતિને જોખમમાં મૂકે છે. હવે ફુગાવો અડધો થઈ ગયો છે અને આપણો વિકાસ વધુ મજબૂત છે, આવક વધારે છે ત્યારે ટેક્સ ઘટાડવા તરફ ધ્યાન આપી શકીએ છીએ. તે માટે શિસ્ત જોઇશે અને આપણે પ્રાથમિકતા આપવાની જરૂર છે, પરંતુ સમય જતાં અમે કરમાં ઘટાડો કરીશું. અમારું ધ્યાન અર્થતંત્રની વૃદ્ધિ પર છે.”
ફુગાવો ઘટીને 4.6 ટકા થયો છે ત્યારે હન્ટે પત્રકારોને જણાવ્યું હતું કે “બધું ટેબલ પર છે.”