દેશના વડા પ્રધાન ઋષિ સુનકે નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં ડ્રાઇવિંગ કરતી વખતે એક વીડિયો ફિલ્મ કરવા માટે પોતાનો સીટબેલ્ટ દૂર કરવા બદલ માફી માંગી હતી. લેન્કેશાયર પોલીસ દ્વારા આ અંગે તેમને ફીક્સ પેનલ્ટી નોટીસ આપી છે જે બદલ સુનકને £100ના દંડનો સામનો કરવો પડશે.
સુનકના પ્રવક્તાએ કહ્યું હતું કે “તે નિર્ણયની ટૂંકી ભૂલ હતી. વડા પ્રધાને એક નાની ક્લિપ ફિલ્મ માટે તેમનો સીટબેલ્ટ કાઢી નાખ્યો હતો. તેઓ આ ભૂલને સંપૂર્ણ રીતે સ્વીકારે છે અને તેના માટે માફી માંગે છે. વડાપ્રધાન માને છે કે દરેક વ્યક્તિએ સીટબેલ્ટ પહેરવો જોઈએ.’’
યુ.કે.માં કારમાં મુસાફરી કરતા 14 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેકે સીટબેલ્ટ પહેરવો ફરજીયાત છે અને ન પહેરે તેમને £100નો સ્થળ પરનો દંડ આપી શકાય છે. જો કેસ કોર્ટમાં જાય તો તે દંડની રકમ વધીને £500 થાય છે.
આ વિડીયો દેશભરમાં 100થી વધુ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે તેમની સરકારની નવી લેવલિંગ અપ ફંડની જાહેરાતોને પ્રમોટ કરવા માટે ચાલતી કારની પાછળની સીટ પર બેઠેલા સુનકે વીડિયો શૂટ કરાવ્યો હતો. જ્યારે તેઓ કેમેરાની સામે હતા ત્યારે પોલીસ મોટરબાઈક તેમની કારને એસ્કોર્ટ કરતી જોઈ શકાતી હતી.
મુક્તિ માટે ડૉક્ટરનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. સરકાર તાજેતરમાં સીટબેલ્ટના નિયમોને વધુ કડક બનાવવા વિચારણા કરી રહી છે અને ભવિષ્યમાં ડ્રાઇવરે સીટભેલ્ટ પહેર્યો નહિં હોય તેમને લાયસન્સ પર પેનલ્ટી પોઈન્ટ અપાશે.
તાજેતરના આંકડા મુજબ 2021માં યુકેમાં રસ્તાઓ પર કારમાં માર્યા ગયેલા લગભગ 30 ટકા લોકોએ સીટબેલ્ટ બાંધેલા ન હતા. વિપક્ષી લેબર પાર્ટીએ રોયલ એરફોર્સના વિમાનનો ઉપયોગ કરવાના બનાવ સાથે આ બનાવને જોડીને સુનક નિષ્ફળ વડા પ્રધાન હોવાનઓ આક્ષેપ કર્યો હતો.