વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે જાહેરાત કરી હતી કે દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર કરીને ઘુસી આવનારા લોકોની પ્રથમ ફ્લાઇટ કોઇ પણ ભોગે આગામી 10 થી 12 અઠવાડિયામાં રવાન્ડા માટે ઉપડશે. તેમણે પાર્લામેન્ટમાં દાવો કર્યો હતો કે લાંબા સમયથી વિલંબિત કાયદો પસાર થયા પછી આ પ્રક્રિયા માટે તમામ તૈયારી કરવામાં આવી છે.
ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રેસ કોન્ફરન્સમાં સુનકે કહ્યું હતું કે ‘’રવાંડાના વિવાદાસ્પદ સલામતી બિલને કાયદો બનાવવા માટે સંસદ સોમવારે રાતભર બેઠક કરશે. આ બિલને હાઉસ ઓફ લોર્ડ્સે સુધારાની માગણી કરવાને કારણે અવરોધોનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ ફ્લાઇટ 10 થી 12 અઠવાડિયામાં રવાના થશે. અલબત્ત, તે અમે ઇચ્છતા હતા તેના કરતાં મોડું છે પરંતુ અમે હંમેશા સ્પષ્ટ છીએ કે પ્રક્રિયામાં સમય લાગશે અને જો લેબરના સાથીઓએ આ ફ્લાઇટ્સને સંપૂર્ણ રીતે અવરોધિત કરવા હાઉસ ઓફ લોર્ડ્સમાં બિલને પકડી રાખવામાં અઠવાડિયા ગાળ્યા ન હોત તો અમે આ પ્રક્રિયા શરૂ કરી દીધી હોત. હવે અમે તૈયાર છીએ, યોજનાઓ અમલમાં છે અને આ ફ્લાઇટ્સ ગમે તે સમયે જશે. કોઈ વિદેશી અદાલત અમને ફ્લાઈટ્સ બંધ કરતા અટકાવશે નહીં. ચાર્ટર્ડ કોમર્શિયલ ફ્લાઇટ્સ બુક કરવામાં આવી છે અને એક એરફિલ્ડ પરથી ફ્લાઇટ ઉડાડવા માટે સેંકડો એસ્કોર્ટ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. કિગાલીમાં આ માઇગ્રન્ટ્સના એસાયલમના દાવાઓ પર પ્રક્રિયા કરવામાં આવશે.’’
આમ સુનકે તેમના ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની “બોટ રોકવા” માટેની તેમની પ્રતિજ્ઞાને પૂર્ણ કરશે.