બ્રિટનના વડાપ્રધાન તરીકે બોરિસ જોન્સને રાજીનામું આપ્યા પછી તેમના અનુગામી તરીકેના બન્ને હરીફો – ઋષિ સુનક અને લીઝ ટ્રસે રવિવારે ગેરકાયદે માઇગ્રેશન સામે કડક પગલાંને પ્રાથમિકતાનું વચન આપ્યું હતું. વડાપ્રધાનપદના બંને દાવેદારોએ ગેરકાયદે માઇગ્રેશન કરનારાઓને રવાંડામાં મોકલવાની સરકારની નીતિને સમર્થન આપ્યું છે.
ભૂતપૂર્વ નાણા પ્રધાન ઋષિ સુનક અને વિદેશ પ્રધાન લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બનવા માટે રાજકીય સ્પર્ધામાં છે ત્યારે તેઓએ જોન્સનના કૌભાંડોથી ઘેરાયેલા એડમિનિસ્ટ્રેશન સામે વિરોધ કરી વડાપ્રધાનને તેઓએ રાજીનામું આપવા ફરજ પાડી હતી.બ્રિટન અત્યારે વધતી જતી મોંઘવારી, વિકાસમાં રૂકાવટ અને જુદી જુદી વધી રહેલી હડતાળોથી ઘેરાયેલું છે તેવા સમયે કોઈપણ પ્રકારના ટેક્સ કાપના સમયના મુદ્દે બંને ઉમેદવારો વચ્ચે ટક્કર છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના ઓપિનિયન પોલમાં ટ્રસ મોખરે રહ્યા પછી સુનકે શનિવારે પોતાને ‘અંડરડોગ’ ગણાવ્યા હતા.
રવિવારે, બંને ઉમેદવારોએ પ્રેસ સમક્ષ ગેરકાયદે ઈમિગ્રેશનના પ્રયાસ કરનારાઓને રવાંડા મોકલવાની સરકારની નીતિ આગળ ધપાવવાની તેમની યોજનાઓ નક્કી કરી હતી, જોકે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ઇસીએચઆર) દ્વારા ગત મહિને દેશનિકાલ કરવાના લોકોની પ્રથમ ફ્લાઇટ અટકાવી હતી.
વડાપ્રધાન પદ માટેની સ્પર્ધામાં મોખરે એવા ટ્રસે જણાવ્યું હતું કે, તેઓ ‘રવાન્ડા જેવી ત્રીજા દેશની ભાગીદારી પ્રક્રિયા’ને તેઓ વધુ આગળ વધારવાનું વિચારશે અને બોર્ડર ફોર્સમાં 20 ટકા વધારો કરશે તેમજ બ્રિટનના બિલ ઓફ રાઈટ્સને મજબૂત બનાવશે.
ટ્રસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વડાંપ્રધાન તરીકે, હું રવાન્ડા અંગેની નીતિના સંપૂર્ણ અમલ માટે અને આવા અન્ય દેશો શોધવા પ્રતિબદ્ધ છું, જેમની સાથે આપણે આવી ભાગીદારી પર કામ કરી શકીએ.’‘આપણી બોર્ડર્સ પર યોગ્ય કક્ષાનું માનવબળ અને સુરક્ષા છે કે નહીં તેની હું ચકાસણી કરીશ’. હું ECHR અને તેની ઇમિગ્રેશન નીતિ તેમજ તેને નિયંત્રિત કરવાના સતત પ્રયત્નો સામે ડરીશ નહીં.’ આ મુદ્દે સુનકે જણાવ્યું હતું કે, તેઓ ગેરકાયદે ઇમિગ્રેશનને ‘પાંચ મુખ્ય કટોકટીમાંથી એક’ તરીકે પ્રાથમિકતા આપશે અને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં જ તેનું નિરાકરણ લાવશે.
તેમણે અખબારમાં લખ્યું હતું કે, ‘હું કડક લક્ષ્યાંકોનો અભિગમ અપનાવીશ, જે લોકો તેનું પાલન કરશે તેમને પ્રોત્સાહનો મળશે જેઓ નહીં કરે તેઓ દંડાશે.’‘જો કોઈ દેશ ગેરકાયદે માઇગ્રેશન કરનારાઓને પરત લઇ જવામાં સહકાર નહીં આપે તો હું વિદેશી સહાય, વેપાર અને વિઝાની વાત આવશે ત્યારે તેમની સાથેના આપણા સંબંધો વિશે બીજી વાર વિચારીશ નહીં.’