પાર્લામેન્ટના ઉપલા ગૃહે એસાયલમ સીકર્સને દેશનિકાલ કરતી ફ્લાઇટ્સ ઉપડે તે પહેલાં વધુ સુરક્ષા રજૂ કરવાની માંગણી કર્યા પછી વડા પ્રધાન ઋષિ સુનકને રવાન્ડામાં એસાયલમ સીકર્સને મોકલી આપવાના તેમના કાયદા સામે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે.
ઇંગ્લેન્ડના દરિયા કિનારે નાની બોટમાં આશ્રય મેળવવા આવનારા લોકોને ચાલુ કાનૂની પડકારોને કારણે અત્યાર સુધી દેશનિકાલ કરી શકાયા નથી. કોર્ટના પ્રતિકારને દૂર કરવાના પ્રયાસરૂપે, સુનકની સરકાર સંસદ દ્વારા કાયદો પસાર કરવા માંગે છે.
હાઉસ ઓફ લોર્ડ્સના બિનચૂંટાયેલા સભ્યોએ એક સુધારાની તરફેણમાં મત આપ્યો હતો. જેનો અર્થ થાય છે કે ફ્લાઇટ્સ ત્યારે જ ઉપડી શકશે જ્યારે રવાન્ડાની એસાયલમ પ્રણાલીમાં કાનૂની સલામતી અમલમાં મૂકશે કે તેને સંપૂર્ણ રીતે લાગુ કરશે. સુધારામાં જણાવ્યું હતું કે કાયદો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાયદા સાથે સંપૂર્ણ રીતે સુસંગત હોવો જોઈએ, અને ફ્લાઈટ્સ રવાના થાય તે પહેલાં રવાન્ડા શરણાર્થીઓ માટે સલામત છે તેનો પુરાવો જરૂરી છે.
જો કે, વધુ શક્તિશાળી અને ચૂંટાયેલ હાઉસ ઓફ કોમન્સના સભ્યો પછીના તબક્કામાં આ ફેરફારોને ઉથલાવી શકે છે અને કાયદો કાનૂની પુસ્તકમાં ફેરફાર કર્યા વિના દાખલ થઈ શકે છે.
સુનક ઇચ્છે છે કે પ્રથમ દેશનિકાલ ફ્લાઇટ્સ આગામી થોડા મહિનામાં (સામાન્ય ચૂંટણી પહેલા) શરૂ થાય અને તેઓ “બોટ્સ બંધ” કરવાની પ્રતિજ્ઞા પૂરી કરી શકે.
આ વર્ષે અત્યાર સુધીમાં 2,500 થી વધુ એસાયલમ સીકર્સ નાની બોટમાં બ્રિટન પહોંચ્યા છે. રવાન્ડા પોલીસી હેઠળ પ્રથમ 300 શરણાર્થીઓને દેશનિકાલ કરવા માટે વધુ £600 મિલિયન ખર્ચ થશે.