પત્ની અક્ષતાની પારિવારિક સંપત્તિ વિશે મીડિયાની ટિપ્પણી સામે લડી રહેલા યુકેના વડા પ્રધાનપદની રેસના અગ્રેસર, ઋષિ સુનકે, તેમના સસરા – ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સાસુ સુધા મૂર્તિએ જે હાંસલ કર્યું છે તે બદલ ગર્વની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.
રવિવારની રાત્રે ITV ચેનલની ચર્ચા દરમિયાન 42 વર્ષીય પૂર્વ ચાન્સેલર સુનકે જણાવ્યું હતું કે ‘’કાનૂની અધિકાર હોવા છતાં મારી પત્ની અક્ષતાએ સ્વેચ્છાએ તેની ભારતીય આવક પર કર ચૂકવવા માટે તેના નોન-ડોમિસાઇલ સ્ટેટસનો ત્યાગ કર્યો હતો’’ તેમની સામે યુએસ ગ્રીન કાર્ડ સ્ટેટસનો પ્રશ્ન પણ ઉઠાવાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે “મારા સસરા તેમની મહેનતથી નીચેથી ઉપર આવ્યા હતા. મારા સાસુએ તેમની બચતના થોડા સો પાઉન્ડ આપ્યા હતા જેની મદદથી તેમણે વિશ્વની સૌથી મોટી અને સૌથી આદરણીય સફળ કંપનીનું નિર્માણ કર્યું હતું, જે અહીં યુકેમાં હજારો લોકોને રોજગારી આપે છે. આ એક અવિશ્વસનીય કોન્ઝર્વેટીવ સ્ટોરી છે. એક વડા પ્રધાન તરીકે હું ખાતરી કરવા માંગુ છું કે આપણે અહીં તેમના જેવી વધુ સ્ટોરી બનાવી શકીએ છીએ.’’
સુનકે અગાઉ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મને ખાતરી છે કે લેબર નેતા સર કેર સ્ટાર્મરને હરાવવા અને ચૂંટણીમાં જીત મેળવવા માટે હું શ્રેષ્ઠ વ્યક્તિ છું.”