આગામી પીએમ તરીકે વરણી થયા બાદ ટોરી હેડક્વાર્ટર ખાતે ઋષિ સુનકે જણાવ્યું હતું કે ‘હું લિઝ ટ્રસને દેશ પ્રત્યેની તેમની સમર્પિત જાહેર સેવાઓ માટે ટ્રીબ્યુટ આપવા માંગુ છું. તેણીએ મહાન પરિવર્તનના સમયમાં અને અપવાદરૂપે મુશ્કેલ સંજોગોમાં, દેશ અને વિદેશમાં ગૌરવભેર નેતૃત્વ કર્યું છે. મારા સંસદીય સાથીદારોનો ટેકો મેળવવા અને કન્ઝર્વેટિવ અને યુનિયનિસ્ટ પાર્ટીના નેતા તરીકે ચૂંટાવા બદલ હું નમ્ર અને સન્માનિત થયા હોવાની લાગણી અનુભવુ છું.
સુનકે જણાવ્યું હતું કે ‘મારા જીવનનો આ સૌથી મોટો લહાવો છે, હું જે પક્ષને પ્રેમ કરું છું તેની સેવા કરી શકીશ અને જે દેશનો હું ખૂબ ઋણી છું તેને પાછું આપી શકું છું. યુકે એક મહાન દેશ છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આપણે ગહન આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ. આપણને હવે સ્થિરતા અને એકતાની જરૂર છે અને હું અમારી પાર્ટી અને આપણા દેશને સાથે લાવવાના કાર્યને મારી સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવીશ. કારણ કે આ એકમાત્ર રસ્તો છે જેનાથી આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તેને પાર કરી શકીશું અને આપણા બાળકો અને આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે વધુ સારા, વધુ સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરીશું.’’
તેમણે જણાવ્યું હતું કે ”હું પ્રતિજ્ઞા કરું છું કે હું તમારી નિષ્ઠા અને નમ્રતાથી સેવા કરીશ અને હું બ્રિટિશ લોકોના કાર્યો કરવા માટે દિવસભર કામ કરીશ.’