દેશમાં આમૂલ પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે બ્રિટનના વડા પ્રધાન તરીકે 100 દિવસ ચિહ્નિત કરતા ઋષિ સુનકે સોશ્યલ મીડિયા માટે એક સ્લીક નવો વિડિયો રજૂ કર્યો હતો. જેમાં તેમણે મોંઘવારી સહિત અનેક પડકારો વચ્ચે પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું.
તેમના પૂરોગામીઓના વિવાદો અને તીવ્ર રાજકીય ઉથલપાથલ પછી વડા પ્રઘાન બનેલા સુનકે કોવિડ રોગચાળા અને ચાલી રહેલા રશિયા-યુક્રેન સંઘર્ષના પરિણામે કોસ્ટ ઓફ લિવીંગ ક્રાઇસીસને પહોંચી વળવા અને વધતા જતા ફુગાવાને ઘટાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તેની ટોચની પ્રાથમિકતાઓ નક્કી કરી છે.
સુનકે ગુરુવારે ટ્વિટર પર લખ્યું હતું કે “અન્ય લોકો પરિવર્તન વિશે વાત કરી શકે છે. હું તેને પહોંચાડીશ.” તે સાથે રજૂ કરાયેલ વિડીયોમાં તેમણે “આધુનિક ઇતિહાસમાં સૌથી યુવા” તરીકે ટોચના પદ માટે તેમની ઐતિહાસિક પસંદગીનો એક મોન્ટેજ કેપ્ચર કરવામાં આવ્યો હતો. તેઓ પોતાની પાંચ મુખ્ય પ્રાથમિકતાઓને પૂરી કરવા માટે કટિબધ્ધ છે.
તેમણે કહ્યું હતું કે “ભારત સાથેના અમારા ઊંડા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોના અવિશ્વસનીય મૂલ્યને હું જાણું છું. મને આનંદ છે કે ભારતના તેજસ્વી યુવાનોને પણ યુકેમાં જીવનમાં પ્રદાન કરવાની અને તેનો અનુભવ કરવાની તક મળશે અને આપણી અર્થવ્યવસ્થા અને સમાજને વધુ સમૃદ્ધ બનાવે છે.”
સુનક ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA) માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. પણ સ્થાનિક મોરચે, સુનકને બહુવિધ પડકારો અને દબાણોનો સામનો કરવો પડે છે, જેમાં નદીમ ઝહાવી અને ડોમિનિક રાબ તેનું ઉદાહરણ છે.
લેટેસ્ટ ઓપિનિયન પોલમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી વિપક્ષી લેબરથી હાલમાં 20 કે તેથી વધુ પોઈન્ટ પાછળ છે ત્યારે આગામી મે માસની સ્થાનિક ચૂંટણીઓમાં ટોરી પક્ષનો નબળો દેખાવ આવતા વર્ષે યોજાનારી અપેક્ષિત સામાન્ય ચૂંટણીઓ પહેલા પક્ષના નેતામાં બીજા ફેરફારની હાકલ કરી શકે છે.