જો વડા પ્રધાન બોરિસ જૉન્સનને બળજબરીથી બહાર કાઢવામાં આવે તો બ્રિટનના ચાન્સેલર ઋષિ સુનક બ્રિટનના પ્રથમ હિન્દુ વડા પ્રધાન બની શકે છે.
41 વર્ષીય સુનકે કોવિડ રોગચાળાની શરૂઆતમાં બે વર્ષ પહેલાં ચાન્સેલર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી સોશિયલ મીડિયા પર તેમને કાળજીપૂર્વક પ્રોત્સાહન અપાઇ રહ્યું છે.
સુનકે 13 ફેબ્રુઆરી, 2020ના રોજ બ્રિટનના પ્રથમ હિંદુ ચાન્સેલર તરીકે ભાગવદ ગીતા પર તેમની નિષ્ઠાના શપથ લીધા હતા. તે પછી, તેઓ 11 ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર નિવાસસ્થાનના પગથિયા પર તેલના દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરતા દેખાયા હતા.
તેઓ દારૂ પીતા નથી પણ કોકા-કોલા અને મીઠાઈઓના શોખને સ્વીકારે છે. સુનકને ટોરી બેકબેન્ચર્સ તરફથી પ્રશંસા મળી છે.
યોર્કશાયરના રિચમન્ડના સંસદ સભ્ય સુનકને તેમના પૂરોગામી સાસંદ વિલિયમ હેગે “અપવાદરૂપ વ્યક્તિ” તરીકે વર્ણવ્યા હતા. થેરેસા મેએ જાન્યુઆરી 2018માં તેમને જુનિયર પ્રધાન બનાવ્યા હતા.
સુનકના દાદા-દાદી ઉત્તર ભારતના પંજાબના વતની હતા અને 1960ના દાયકામાં ઇસ્ટ આફ્રિકામાંથી બ્રિટનમાં સ્થળાંતર કર્યું હતું. સુનકના પિતા સાઉધમ્પ્ટનમાં ફેમિલી ડૉક્ટર હતા અને તેમની માતા સ્થાનિક ફાર્મસી ચલાવતા હતા. તેમણે બ્રિટનની અગ્રણી ખાનગી બોર્ડિંગ શાળાઓમાંની એક, વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો છે જ્યાં તેઓ હેડ બોય હતા. સુનક ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફી, પોલીટીક્સ અને ઇકોનોમિક્સમાં પ્રથમ-વર્ગની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. 2006માં, સુનકે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ફુલબ્રાઈટ શિષ્યવૃત્તિ પર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.
તેઓ સ્ટેનફર્ડ ખાતે અક્ષતાને મળ્યા હતા અને પછી લગ્ન કર્યા હતા. તેઓ કેલિફોર્નિયામાં રહેતા અને પછી બ્રિટન પાછા ફર્યા હતા જ્યાં તેમણે હેજ ફંડમાં લાખો પાઉન્ડ બનાવતા પહેલા ગોલ્ડમેન સૅક્સ માટે ફાઇનાન્સમાં કામ કર્યું હતું.
તેમણે “ડિશી ઋષિ” તરીકે મીડિયા ઉપનામ મેળવ્યું છે.