- અમિત રોય દ્વારા
વડા પ્રધાન તરીકે પોતાના 100મા દિવસને ચિહ્નિત કરવા માટે બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકે હાઇ પ્રોફાઇલ પ્રેઝન્ટર પિયર્સ મોર્ગનને આપેલા એક જિજ્ઞાસાપૂર્વક ઇન્ટરવ્યુમાં પોતાના હિન્દુ “ધર્મ” અને દેશ પરત્વેની હિંદુ વિભાવના તથા ફરજો વિશે વાત કરવાનું પસંદ કર્યું હતું.
રુપર્ટ મર્ડોકની માલિકીના ટોકટીવી પર મોર્ગને લીધેલી મુલાકાતમાં સુનકે કહ્યું હતું કે ‘’ગયા સમરમાં જોન્સનના ચાન્સેલર તરીકે રાજીનામું આપ્યા બાદ ટોરી લીડરશીપ હરીફાઈમાં લિઝ ટ્રસ સામે હાર્યા પછી કાયમ માટે બેકબેન્ચ પર પાછા ફરવાનું વિચાર્યું હતું અને લાગ્યું હતું કે આગળના રાજકારણમાં મારી કારકિર્દીનો અંત આવી ગયો હતો.”
મોર્ગને તેમને રોકતા જ્યારે પૂછ્યું કે ‘પૃથ્વી પર તમે આ કેમ કરવા માંગતા હતા?’ ત્યારે સુનકે કહ્યું હતું કે ‘’મારો ઉછેર એવા માતા-પિતા દ્વારા થયો છે જેઓ “ઇમિગ્રન્ટ માઇન્ડ સેટ” સાથે બ્રિટન આવ્યા હતા. તમે જાણો છો કે હું પ્રસંગોએ મારી જાતને આ જ પ્રશ્ન પૂછું છું. મારા માટે, (આ દેશ) તે ફરજ છે. અને વાસ્તવમાં, હિંદુ ધર્મમાં ‘ધર્મ’ની એક વિભાવના (કલ્પના) છે, જેને તમે ‘ફરજ’ કહી શકો છો. આ રીતે મારો ઉછેર થયો છે. તે ફરજ નિભાવવાનું તમારી પાસેથી અપેક્ષિત હોય છે. મને લાગ્યું કે હું ફરક લાવી શકીશ. અને તે ક્ષણે, ખાસ કરીને લોકો જે પડકારોનો સામનો કરી રહ્યા છે તે જોતાં ફરક લાવવા માટે હું શ્રેષ્ઠ વ્યક્તિ હતો.’’
તેમણે મોર્ગનને એક વર્ષમાં પાછા આવવા જણાવી કહ્યું હતું કે તમે ચેક કરજો કે મેં આપેલા પાંચ વચનો, જેમ કે – ફુગાવો અડધો કરવો, અર્થવ્યવસ્થામાં વધારો કરવો, રાષ્ટ્રીય દેવું ઘટાડવું, NHS વેઇટિંગ લિસ્ટ ઓછું કરવું અને બોટ દ્વારા થતું ગેરકાયદેસર ઇમીગ્રેશન ઘટાડવું – તે નિભાવ્યા છે કે નહિં.’’
ટીકાકારો દ્વારા કરતા નેતૃત્વના ગુણો વિનાના “ગીક” અને “નર્ડ”ના આરોપોનો ઇન્કાર કરતા સુનકે જણાવ્યું હતું કે “હું તેના પર ચિંતન કરતો હતો. પરંતુ તેનો અર્થ શું છે? મારા માટે તેનો અર્થ એ છે કે કોઈ એવી વ્યક્તિ કે જે વહેલા ઉઠે છે, સખત મહેનત કરે છે, જે બાબતોને ટોચ પર રાખે છે, ખરેખર સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહી છે, અને તે વિશે મહેનત કરે છે, પોતાની જાતને ઝીંકી દે છે અને તેની પાસે જે છે તે દિવસ-રાત, બધું જ આપી દે છે. પ્રયત્ન કરો અને ખાતરી કરો કે, તે જ હું છું. હું તેનાથી ભાગી જવાનો નથી. અને તદ્દન પ્રમાણિકપણે, વડા પ્રધાન એવા જ હોવા જોઈએ. અને દેશ માટે તેવા વડા પ્રધાન હોય તે જરૂરી છે.”
પ્રિન્સ હેરીની પત્ની મેગન માર્કલ માટે મોર્ગનની ટીકાઓ જાણીતી છે ત્યારે મોર્ગને પૂછ્યું હતું કે ‘‘શું તેણીને રાજ્યાભિષેક માટે આમંત્રણ આપવું જોઈએ?’’
પણ સુનકે તેમાં પડ્યા વગર જણાવ્યું હતું કે “તમે જાણો છો કે હું શાહી પરિવાર વિશે વાત કરી શકતો નથી. મારા પદનો એક મહાન વિશેષાધિકાર એ છે કે રાજા સાથે સમય વિતાવવો અને એક અદ્ભુત બ્રિટિશ સંસ્થાને ચેમ્પિયન બનાવવી. કિંગ ચાર્લ્સ અવિશ્વસનીય કામ કરે છે, તેમને મળવા માટે અમે નસીબદાર છીએ. રાજ્યાભિષેક શાનદાર થવાનો છે.”
આ ઇન્ટરવ્યુ સંપૂર્ણ રીતે ઘરેલું પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને લેવાયો હતો, તેથી મોર્ગને નરેન્દ્ર મોદી પરની BBC ડોક્યુમેન્ટરી અથવા સુનકે તેના ભારતીય સમકક્ષ વિશે શું કર્યું અથવા મુક્ત વેપાર કરાર માટેની વાટાઘાટો વગેરે બાબતો પર પ્રશ્નો કર્યા ન હતા. પરંતુ તેમણે નર્સો દ્વારા વધુ પગારની માંગ, તેઓ જીવ બચાવવા હોસ્પિટલોમાં ગયા ત્યારે તેમની પાસેથી લેવાયેલા પાર્કિંગ ચાર્જ, ફ્રાન્સથી ચેનલ દ્વારા નાની બોટમાં આવતા ઇમિગ્રન્ટ્સ, મુશ્કેલીમાં મૂકતા વિવાદાસ્પદ સાથીદારો જેમ કે સુએલા બ્રેવરમેન, નદીમ ઝવાહી અને ડોમિનિક રાબ અને યુક્રેનને ફાઇટર જેટ સપ્લાય કરાશે કેમ તે વિષે સુનકને પ્રશ્નો પૂછ્યા હતા.
સુનકે કહ્યું હતું કે “અમે જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે. પ્રથમ અને સૌથી અગત્યનું, અર્થતંત્રને સ્થિર કરવા માટે અમે પગલાં લઈ રહ્યા છે. અમે ફ્રાન્સ સાથે એક નવો સોદો કર્યો છે જે અંતર્ગત તેઓ ફ્રેન્ચ બીચ પર થઈ રહેલા પેટ્રોલિંગની માત્રામાં વધારો કરી રહ્યા છે, જેનાથી તફાવત આવી રહ્યો છે. બોટમાં આવનારા લોકો પૈકી 30 ટકા અલ્બેનિયન હતા. તે માટે અલ્બેનિયા સાથે અમે નવુ ડીલ કર્યું છે. ગેરકાયદેસર રીતે આવનાર અલ્બેનિયનને અમે સુરક્ષિત રીતે પાછા અલ્બેનિયા મોકલશું. અમે આ બાબતો વધુ ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે કરી યુકેની એસાયલમ પ્રણાલીને બદલી રહ્યા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં અમે સંસદમાં નવા કાયદાઓ રજૂ કરીશું જેનાથી ગેરકાયદેસર રીતે આવનાર અહિં રહી શકશે નહીં.”
સુનકે એક ઇન્ટરવ્યુમાં અક્ષતા અવ્યવસ્થિત છે તેમ જણાવ્યું હતું તે બાબતે મોર્ગને પ્રશ્ન કરતાં સુનકે સીફતપૂર્વક “તમે કદાચ તેણીને પૂછો તો વધુ સારું છે” એમ કહી છુટકારો મેળવી લીધો હતો.
સુનકે મુલાકાતમાં અક્ષતાની સાથે હાફ મૂન બે (કેલિફોર્નિયામાં)માં થયેલી સગાઈ, પોતાના મિલનો, પોતાના પ્રપોઝ, રોમાન્સ વિશે વાતો કરી હતી.
જ્યારે મોર્ગને તેમને પૂછ્યું કે “તમારા માટે પ્રેમનો અર્થ શું છે?” ત્યારે સુનકે કહ્યું હતું કે “પ્રેમ? પ્રેમ એટલે શું? ઠીક છે, મારા મતે તેના ઘણાં બધાં જુદાં જુદાં પાસાં છે.. છેલ્લાં બે મહિનામાં, છેલ્લાં બે વર્ષમાં, હું (અક્ષતા) તેના પ્રેમ અને સમર્થન વિના આ કામ કરી શક્યો ન હોત.’’
10, ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાયેલ “અનસેન્સર્ડ” ઇન્ટરવ્યુના અંતે મોર્ગને જણાવ્યું હતું કે “સુનકને ઇન્ટરવ્યુમાં આટલા નિખાલસ પહેલાં ક્યારેય જોયા નથી. જ્યારે તે કહે છે કે તે આપણી સમસ્યાઓ ઉકેલવા માટે સંકલ્પબદ્ધ છે ત્યારે તેનો અર્થ છે કે તે કરશે.‘’
એક હેડ ટીચરની જેમ 57 વર્ષના મોર્ગન એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે તેમને 42 વર્ષીય સુનકની મહત્વાકાંક્ષા પસંદ છે. તેમણે કહ્યું હતું કે “વડાપ્રધાન, તમને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે તમે સફળ થાઓ. મને લાગે છે કે મોટાભાગના લોકો ઈચ્છે છે કે તમે સફળ થાઓ. આપણી પાસે પૂરતી અરાજકતા છે, પૂરતી નિષ્ફળતાઓ છે. આ દેશ તેના પગ પર પાછો ઉભો થાય તેની જરૂર છે, અને હું આશા રાખું છું કે તમે સફળ થશો.’’