ઇટાલીની સત્તાવાર મુલાકાતે ગયેલા વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે રોમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચેતવણી આપી હતી કે ‘’ગેરકાયદેસર સ્થળાંતરને કારણે આખું યુરોપ “ભરાઈ” જશે અને દુશ્મનો ઇમિગ્રેશનનો ઉપયોગ “શસ્ત્ર” તરીકે કરી “ઇરાદાપૂર્વક લોકોને આપણા દેશના કિનારા સુધી લઇ આવીને યુરોપીય સમાજને અસ્થિર કરવાનો પ્રયાસ કરી શકે છે. તે માટે જો આપણને, આપણા કાયદાઓમાં સુધારો કરવાની અને યુદ્ધ પછીના એસાયલમના માળખામાં સુધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય વાર્તાલાપનું નેતૃત્વ કરવાની જરૂર હોય, તો આપણે તે પણ કરવું જોઈએ.”
ઇટાલીમાં સમકક્ષ મેલોની સાથે સુનકની દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ગેરકાયદેસર સ્થળાંતરનો સામનો ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહ્યો હતો.
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની રાઇટ વિંગ ‘બ્રધર્સ ઑફ ઇટાલી’ પાર્ટી દ્વારા આયોજિત અત્રેજુ રાજકીય ઉત્સવને સંબોધન કરતાં સુનકે કહ્યું હતું કે ‘’જો આપણે આ ગેરકાયદે સ્થળાંતર સમસ્યાનો સામનો નહીં કરીએ, તો પણા દેશોમાં તેની સંખ્યા ફક્ત વધશે. આથી જેમને ખરેખર આપણી મદદની સૌથી વધુ જરૂર છે તેમને મદદ કરવાને બદલે ઇલીગલ ઇમીગ્રેશન આપણા દેશો અને આપણી ક્ષમતાને પ્રભાવિત કરશે. કારણ કે જો આપણે હવે આ સમસ્યાને ઠીક નહીં કરીએ, તો બોટો ભરીને લોકો આવતા જ રહેશે અને દરિયામાં વધુ લોકો જીવ ગુમાવશે. ક્રિમીનલ ગેંગ્સ તેમના દુષ્ટ વેપારને ચલાવવા માટે સસ્તી રીતો શોધી કાઢશે. તેઓ આપણી માનવતાનું શોષણ કરશે. તેઓ લોકોને બોટ સાથે દરિયામાં ફેંકે છે ત્યારે તેમના જીવનને જોખમમાં મૂકવા બાબતે કંઈપણ વિચારતા નથી.”
ઘરેલું મોરચે બોટ રોકવાનું સરકારી વચન આપનાર સુનકને ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશવા માટે મોટી સંખ્યામાં ઇંગ્લિશ ચેનલ પાર કરી રહેલા વસાહતીઓને નિયંત્રિત કરવાના પ્રયાસોમાં અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો છે.
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે ““વડાપ્રધાન અને વડા પ્રધાન મેલોનીએ લોકોની દાણચોરી કરતી ક્રિમીનલ ગેંગ સામે લડવા અને યુરોપની સરહદો પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટેના સામૂહિક પ્રયાસને સતત મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાયેલ અને ગાઝાની પરિસ્થિતિ અને યુક્રેન માટેના અતૂટ સમર્થન સહિત વ્યાપક ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર પણ તેમણે ચર્ચા કરી હતી. તેમણે યુકે સમિટ બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહકાર બાબતે પ્રગતિની નોંધ લઇ AI સલામતી પર આગળ વધવાની પહેલ ચાલુ રાખવા સંમત થયા હતા.”
યુકે, ઇટાલી અને અલ્બેનિયા વચ્ચેની ત્રિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ આજની તારીખની પ્રગતિને આવકારી લો એન્ફોર્સમેન્ટ બાબતે સહકાર સહિત ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ગુનાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રવૃત્તિને વધુ તીવ્ર બનાવવા સંમત થયા હતા.