વડા પ્રધાન પદની રેસના દાવેદારો બોરિસ જૉન્સન અને પેની મોર્ડન્ટ ટોરી રેસમાંથી બહાર નીકળી ગયા બાદ 200 જેટલા સાંસદોનું સમર્થન મેળવનાર ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનક યુકેના આગામી વડા પ્રધાન પદે આરૂઢ થનારા યુકેના પ્રથમ બીન શ્વેત, બ્રિટિશ એશિયન, એથિનક, છેલ્લા 200 વર્ષમાં 42 વર્ષની વયના સૌથી યુવાન અને હિન્દુ વડા પ્રધાન બનનાર છે. શ્રી સુનકને ટૂંક સમયમાં નવા પીએમ તરીકે નિયુક્ત કરવામાં આવશે અને આજે રાત્રે અથવા આવતીકાલે ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન લિઝ ટ્રસ પાસેથી વિશાળ જવાબદારી ઉઠાવી લેશે.
1922ની કમીટીના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીએ પુષ્ટિ કરી હતી કે ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા અને આગામી વડા પ્રધાન હશે. પેની મોર્ડન્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ 1922ની કમીટીના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડી પાસે સુનક એકમાત્ર ઉમેદવાર બાકી રહ્યા હતા અને તેમની બિનહરીફ વડા પ્રધાન તરીકે વરણી થઇ હતી.
શ્રી સુનક આવતીકાલે તા. 25ની સવારે બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સને મળશે. જ્યાં પીએમ તરીકેની નિયુક્તી બાદ સવારે 11.35 વાગ્યાની આસપાસ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર વડા પ્રધાન તરીકે પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરશે.
બીજી તરફ વિદાય લેનાર શ્રીમતી ટ્રસ નંબર 10 ખાતે સવારે 9 વાગ્યે કેબિનેટની અંતિમ બેઠકની અધ્યક્ષતા કરશે. તેણી નંબર 10ની બહાર વડા પ્રધાન તરીકે અંતિમ સંબોધન કરશે અને કિંગ ચાર્લ્સને ઔપચારિક રીતે રાજીનામું આપવા માટે બકિંગહામ પેલેસ જશે.
તેમણે આજે ‘પ્રામાણિકતા અને નમ્રતા’ સાથે નંબર 10 ચલાવવાનું વચન આપ્યું હતું, પરંતુ જ્યારે તેઓ પ્રીમિયરશિપ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમની સામેના ‘ગહન પડકારો’ની ચેતવણી આપવામાં આવી છે.
કિંગ ચાર્લ્સ આજે તા. 24ના રોજ બપોરે લંડન પાછા ફરી રહ્યા છે. કિંગ ચાર્લ્સ દ્વારા સરકાર રચવા માટે આમંત્રિત થનાર સુનક પ્રથમ વડાપ્રધાન હશે. તેમની માતા, રાણી એલિઝાબેથે રાણી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 15 વડા પ્રધાનોને આવતા-જતા જોયા હતા.
બોરિસ જૉન્સનની જેમ ટ્રસ જતા પહેલા નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર અને ઋષિ સુનક પ્રવેશ કરતાં પહેલા પ્રેસ સામે પોતાનું પોતાનું ટૂંકુ સંબોધન કરી શકે છે.
પૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સને જરૂરી 100 કરતા વધુ સાંસદોનો ટેકો હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેમ છતાં ટોરી પાર્ટીના હિતમાં ગઈકાલે રાત્રે (તા. 23) રેસમાંથી બહાર નીકળી ગયા હતા. તે પછી પેની મોર્ડન્ટ એકમાત્ર બાકી આશાવાદી રહ્યા હતા પરંતુ 100 એમપીને સમર્થનનો થ્રેશહોલ્ડ માટે તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. છેલ્લી મિનીટે તેઓ પણ સુનકને ટેકો આપીને હરિફાઇમાંથી ખસી ગયા હતા.
શ્રીમતી મોર્ડન્ટના સાથીઓએ દાવો કર્યો હતો કે તેણી પાસે 90થી વધુ સમર્થકો છે તેમ છતાં માત્ર 25 એમપી દ્વારા જ ટેકો જાહેર કરાયો હતો.
જોકે, બપોરે 1.58 વાગ્યે એક નિવેદનમાં પેનીએ ટ્વિટ કર્યું હતું કે તે હરીફાઈને આગળના તબક્કામાં લઈ જઈ શકી નથી અને પોસ્ટ કર્યું હતું કે ‘ઋષિને મારૂ સંપૂર્ણ સમર્થન છે.’’
ભૂતપૂર્વ ચાન્સેલરને 190થી વધુ ટોરી સાંસદો તરફથી જાહેર સમર્થન પ્રાપ્ત થયું હતું જે કુલ ટોરી એમપીની સંખ્યાથી અડધા કરતાં પણ વધુ છે. જોન્સન ખસી જતા તેમના સમર્થકોએ પણ સુનકને સમર્થન આપ્યું હતું. જેમાં જેમ્સ ક્લેવર્લી, બ્રાન્ડન લુઈસ, સિમોન ક્લાર્ક, ઈયાન ડંકન સ્મિથ, પ્રીતિ પટેલ અને નદીમ ઝહાવી જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.
ઋષિ સુનકની આ જીત તેમના અદભૂત રાજકીય પુનરુત્થાનને દર્શાવે છે. જૉન્સનના અનુગામી બનવાના સંઘર્ષમાં લિઝ ટ્રસના હાથે પરાજય પામેલા સુનક માત્ર સાત અઠવાડિયા પછી વડા પ્રધાન પદે આરૂઢ થનાર સુનકે શ્રીમતી ટ્રસના 44-દિવસના અસાધારણ વિસ્ફોટક શાસન બાદ સુનકે સૌથી મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડશે. જેમાં જાહેર નાણાંકીય અરાજકતા અને આવનારા કોસ્ટ-ઓફ-લીવિંગની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
વિરોધ પક્ષને મંજૂર નથી
વિપક્ષો હવે સામાન્ય ચૂંટણી માટે દાવો કરી રહ્યા છે અને એવી દલીલ કરે છે કે શ્રી સુનક પાસે વડા પ્રધાન બનવાનો લોકશાહી આદેશ નથી. કન્ઝર્વેટિવ્સે 2019માં છેલ્લી ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને હવે આગામી સામાન્ય ચૂંટણી ઓછામાં ઓછી 2024 સુધી થવાની નથી.
લેબરના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે જણાવ્યું હતું કે શ્રી સુનકને “તેઓ દેશ કેવી રીતે ચલાવશે તે વિશે એક પણ શબ્દ બોલ્યા વિના અને કોઈને મત આપવાની તક વિના” વડા પ્રધાનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
લિબરલ ડેમોક્રેટ નેતા એડ ડેવીએ જણાવ્યું હતું કે ટોરી સાંસદોએ “નુકસાનને સુધારવાની કોઈ યોજના વિના અને બ્રિટિશ લોકોની કોઈ વાત સાંભળ્યા વિના બીજા એક આઉટ ઓફ ટચ વડા પ્રધાનને સ્થાપિત કર્યા હતા”.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું હતું કે શ્રી સુનાકે વહેલી સામાન્ય ચૂંટણી બોલાવવી જોઈએ.
- બેકબેન્ચ કન્ઝર્વેટિવ્સની 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડી દ્વારા પરિણામ જાહેર થયા બાદ શ્રી સુનકે ટોરી સાંસદોને સંબોધ્યા હતા.
- હવે કિંગ ચાર્લ્સ ત્રીજા સુનકની વડા પ્રધાન તરીકે નિમણૂક કરશે.
- કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ જેક બેરીએ જણાવ્યું હતું કે શ્રીમતી ટ્રસની પ્રીમિયરશિપ હેઠળ તીવ્ર રાજકીય ઉથલપાથલના સમયગાળા પછી પાર્ટી માટે “ઋષિની પાછળ ચારેય તરફથી સમર્થન આપી એક થવાનો” સમય આવી ગયો છે.
- થેરેસા મે, બોરિસ જૉન્સન અને શ્રીમતી ટ્રસ પછી શ્રી સુનાક સતત ચોથા એવા વડા પ્રધાન બન્યા છે જેમણે સામાન્ય ચૂંટણી વિના સત્તા સંભાળી છે.
- સુનકના વિજય બાદ પાઉન્ડમાં વધારો થયો હતો અને બજારોએ સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી.
- શ્રી સુનકે સંકેત આપ્યો છે કે મિસ્ટર જૉન્સનની ફોરેન પોલીસી માટે મદદ લઇ શકે છે અને કહ્યું હતું કે કે તેઓ હજુ પણ યોગદાન ધરાવે છે.
- જૉન્સનને માત્ર 57 સાંસદો પાસેથી જ જાહેર સમર્થન પ્રાપ્ત થયું હતું.
- લેબર નેતા સર કેર સ્ટાર્મરે ટોરીઝના ટોચના પદ માટે ‘અસ્તવ્યસ્ત, હાસ્યાસ્પદ સર્કસ’ની નિંદા કરીને સામાન્ય ચૂંટણીની તેમની માંગ દોહકાવી હતી.
- ભૂતપૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બર્ને બોરીસ જૉન્સનના ખૂબ જ આવકારદાયક અને સમજદાર નિર્ણય’ની પ્રશંસા કરી હતી.