વડા પ્રધાન ઋષિ સુનકે પ્રથમ મોટી ચૂંટણી પ્રતિજ્ઞાઓમાંની એકની જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર આગામી સંસદીય ચૂંટણીમાં જીતશે તો તેઓ 18 વર્ષના યુવાનો માટે 12 મહિના માટે ફૂલ ટાઇમ લશ્કરી સેવામાં જોડાવાનું અથવા તો દર મહિને એક વિકેન્ડ માટે એક વર્ષ સુધી સમુદાયમાં પ્રિસ્ક્રિપ્શન્સ અને ખોરાકની ડિલિવરી જેવી સેવા કરવા માટે નેશનલ સર્વિસનું એક બોલ્ડ નવું મોડેલ રજૂ કરશે.
આ મિલિટરી પ્લેસમેન્ટ પસંદગીયુક્ત હશે, જેમાં યોગ્યતા નક્કી કરવા માટે ટેસ્ટ લેવાશે અને સશસ્ત્ર દળો સાથે અથવા સાયબર ડીફેન્સમાં કામ કરવાનું રહેશે.
સુનકે કેમ્પેઇન વિડિયોમાં જણાવ્યું હતું કે “બ્રિટનમાં આપણી પાસે ગર્વ કરવા માટે ઘણું બધું છે. પરંતુ સમસ્યા એ છે કે આપણા યુવાનોની પેઢીને લાયક તકો આપતા નથી. બ્રિટન આજે એવા ભવિષ્યનો સામનો કરી રહ્યું છે જે વધુ ખતરનાક અને વધુ વિભાજિત છે, લોકશાહી મૂલ્યો જોખમમાં છે. આ યોજનાથી યુવાનો મૂલ્યવાન કૌશલ્ય મેળવશે, યુકેને વધુ સુરક્ષિત બનાવશે અને મજબૂત રાષ્ટ્રીય સંસ્કૃતિનું નિર્માણ કરવામાં સક્ષમ બનાવશે. જે આપણા દેશ અને આપણા યુવાનોને એકસરખો લાભ આપશે.”
તેમણે સ્વીડન તરફ ઈશારો કરતા કહ્યું હતું કે ‘’ત્યાં નેશનલ સર્વિસ પૂર્ણ કરનારા 80 ટકા યુવાનો તેમના મિત્રોને તેની ભલામણ કરે છે. અમારી યોજના નવી પેઢીઓને સુનિશ્ચિત કરશે અને આપણો દેશ અનિશ્ચિત વિશ્વના પડકારોને પહોંચી વળશે. લેબર પાસે આવી “સ્પષ્ટ યોજના”નો અભાવ છે.
લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે દરખાસ્ત સામે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે “આ ટોરી પાર્ટી તરફથી £2.5 બિલિયનની બિનફન્ડેડ પ્રતિબદ્ધતા છે જે પહેલાથી જ અર્થતંત્રને ક્રેશ કરે છે. તેમને આમ કરવાની એટલા માટે જરૂર પડી છે કેમકે ટોરીઝે સશસ્ત્ર દળોની સંખ્યા નેપોલિયન પછી સૌથી ઓછી કરી છે.’’
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ ‘સ્કાય ન્યૂઝ’ને જણાવ્યું હતું કે ‘’લશ્કરી સેવાના વિકલ્પમાં કોઈ ગુનાહિત પ્રતિબંધો હશે નહીં કે કોઈ જેલમાં જશે નહીં. લશ્કરી કામગીરી માટે કોઈને ફરજ પાડવામાં આવશે નહીં. પરંતુ જેઓ જોડાશે તેમને નાણાંની ચૂકવણી કરાશે. પણ વોલંટીયર્સને કોઇ ચૂકવણી કરાશે નહીં. આ યોજનાથી લોકો તેમના પોતાના સમુદાયની બહારના, વિવિધ પૃષ્ઠભૂમિ કે ધર્મો અને આવકના સ્તરના લોકો સાથે ભળશે. જે એક સુમેળભર્યો સમાજ બનાવવામાં મદદ કરશે.”
લિબરલ ડેમોક્રેટ્સે શાસક ટોરીઝ પર દેશના સશસ્ત્ર દળોના બજેટમાં કાપ મૂકવાનો આરોપ મૂક્યો હતો.
હાલમાં સ્વીડન ઉપરાંત, નોર્વે અને ડેનમાર્ક જેવા અન્ય યુરોપીયન દેશોમાં સશસ્ત્ર દળો માટે સમાન પ્રકારની ભરતી યોજના અમલી છે.