ટોરી પીયર્સ સરકારમાં અવેતન નોકરીઓ લેવા માંગતા ન હોવાથી ઋષિ સુનક હાઉસ ઓફ લોર્ડ્સમાં મિનિસ્ટર્સની ભરતીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ પાછળનું કારણ એવું છે કે પગારના સખત નિયમોને કારણે તેમને બહારના હિતોને છોડી દેવાના રહે છે અને તેને કારણે ટોરી સાથીદારો જુનિયર પ્રધાનનું પદ લેવા માટે અનિચ્છા ધરાવે છે.
સુનકે આ સમરની શરૂઆતમાં બે નવા પીઅર બનાવ્યા હતા અને તરત જ તેમને લોર્ડ્સ વ્હિપ ઓફિસમાં જુનિયર મિનિસ્ટર તરીકે બઢતી આપી હતી. જેણે સુનકની આયોજિત સમર ફેરબદલને વધુ જટિલ બનાવ્યું છે. કારણ કે સંસદીય સત્રના અંતે જે મિનિસ્ટર્સ પદ છોડવા માંગતા હતા તેમને બદલે કોને લેવા તે શોધવાનું “ખૂબ મુશ્કેલ” બની રહ્યું છે.
એક કન્ઝર્વેટિવ પીઅરે કહ્યું હતું કે “તમે લોકોને તેમની આવક છોડી દેવાનું કહી રહ્યા છો. સરાકર ખરેખર સંઘર્ષ કરી રહી છે. ખાસ કરીને MoD (રક્ષણ મંત્રાલય) જેવા વિભાગોમાં લંડનની બહાર દિવસો પસાર કરવા પડે છે પણ તમે દૈનિક ભથ્થાનો દાવો પણ કરી શકતા નથી.’’
કોઈ એક સમયે સરકારમાં સેવા આપી શકે તેવા પગારદાર મંત્રીઓની સંખ્યા પર કાનૂની મર્યાદાને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. મિનિસ્ટરીયલ સેલેરી એક્ટ 1975 હેઠળ વડા પ્રધાનને તેમની સરકારમાં 109 થી વધુ પગારદાર મિનિસ્ટર્સ લેવાની મંજૂરી નથી. હાલમાં કોમન્સ અને લોર્ડ્સ બંનેમાં લગભગ 126 મંત્રીઓ છે, જેમાં વ્હીપનો સમાવેશ થાય છે. ડેવિડ કેમરન અને થેરેસા મે સરકારમાં 117 અને જૉન્સન સરકારમાં 116 મિનિસ્ટર હતા. સુનક સરકારમાં અવેતન મંત્રીઓની સંખ્યા 17 થઈ ગઈ છે.
લોર્ડ્સનું £342નું દૈનિક હાજરી ભથ્થું મેળવવા માટે શારીરિક રીતે પીયરે “ક્લોક ઇન” કરવાની જરૂર છે.