ચાન્સેલર ઋષિ સુનકે બેરોજગારીની મુશ્કેલીને થાળે પાડવા અને દેશ પરના આર્થિક સંકટને ડામવા £30 બિલીયનની યોજના જાહેર કરી છે. આ મિની બજેટ અંતર્ગત એમ્પલોયર તેમના ફર્લો કરાયેલા કર્મચારીઓને પાછા લેશે તો કર્મચારી દીઠ તેમને £1,000 આપવામાં આવશે, £5 લાખ સુધીનું મકાન ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાશે અને હોસ્પિટાલિટી સેક્ટર પરના વેરા ઘટાડવામાં આવશે.
ચાન્સેલરે બુધવારે તા. 8ના રોજ સંસદમાં જણાવ્યું હતું ‘’હું ઇચ્છું છું કે આ ગૃહમાં બેસેલા અને દેશના દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે હું ક્યારેય બેકારીને અનિવાર્ય પરિણામ તરીકે સ્વીકારીશ નહીં. હજુ તો આપણે કામની શરૂઆત કરી છે. બિઝનેસ પ્રત્યેનો અમારો સંદેશ સ્પષ્ટ છે, જો તમે તમારા કર્મચારીઓ સાથે ઉભા રહો છો, તો અમે તમારી સાથે ઉભા રહીશું.”
જોબ રીટેન્શન બોનસ યોજના હેઠળ, એમ્પલોયર્સ ઓક્ટોબરના અંતમાં ફર્લો સ્કીમ સમાપ્ત થયા પછી ફર્લો કરાયેલા તેમના કામદારને નોકરી પર પાછા લેશે તો દરેક કર્મચારી દીઠ એમ્પલોયર્સને £1,000 ચૂકવવામાં આવશે. માટે તે કર્મચારી સતત જાન્યુઆરી સુધી તેમને ત્યાં રોજગાર કરતો હોય તે જરૂરી છે. આ બોનસ મેળવવા માટે, કર્મચારીને નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી કામ કરવાનું રહેશે અને તેમનો પગાર દરેક મહિને ઓછામાં ઓછો £520 ચૂકવાય તે આવશ્યક છે. હાલમાં ફર્લો યોજના હેઠળ આવરી લેવામાં આવેલી નવ મિલિયન નોકરીઓને ગણતરીમાં લેવામાં આવે તો બોનસની કિંમત £9 બિલીયન જેટલી થઈ શકે છે.
બ્રિટનના હોસ્પિટાલીટી અને ટુરીઝમ ક્ષેત્રને મદદ કરવા માટે ચાન્સેલરે છ મહિના માટે VAT 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની જાહેરાત કરી હતી. સુનકની જાહેરાતના કારણે બ્રિટિશ હાઉસબિલ્ડીંગ, પબ અને રેસ્ટોરન્ટ કંપનીઓના શેરના ભાવ વધ્યા હતા.
સુનકે સમજાવ્યું હતું કે “રેસ્ટૉરન્ટ્સ, કાફે અને પબ્સમાં જમો કે અથવા ગરમ ટેકઅવે ફૂડ લઇ જાવ, હોટલ, બેડ એન્ડ બ્રેકફાસ્ટ, કેમ્પસાઇટ્સ અને કેરેવાન સાઇટ્સમાં રહો કે સિનેમાઘરો, થીમ પાર્ક અને પ્રાણી સંગ્રહાલય જેવા આકર્ષણોની મુલાકાત લેશો તો VAT કટનો લાભ મળશે. ઑગસ્ટ મહિનામાં બહાર જમનાર દરેકને ‘ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ ડિસ્કાઉન્ટ’માં સહાય આપીશું. સોમવારથી બુધવાર સુધી ભાગ લેનાર બિઝનેસ- રેસ્ટોરંટમાં જમવા જનાર બાળકો સહિત દરેકને ભોજન પર 50 ટકા અને મહત્તમ વ્યક્તિ દીઠ £10ની મહત્તમ છૂટ અપાશે. ઓગસ્ટમાં દર અઠવાડિયે જે તે બિઝનેસીસને કામના પાંચ દિવસમાં તેમના બેંક ખાતાઓમાં પૈસા મળી જશે.”
રેસ્ટોરાં, હોટલ અને એટ્રેક્શન્સમાં છ મહિનાનો VAT કાપ મૂકવામાં આવ્યો છે. પસંદ કરાયેલા ક્ષેત્રોમાં 15 જુલાઇથી 12 જાન્યુઆરી 2021 સુધી VAT 20%થી ઘટાડીને 5% કરવામાં આવશે.
ઇંગ્લેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં રેસિડેશીયલ પ્રોપર્ટી પરની સ્ટેમ્પ ડ્યુટી માટેનો થ્રેશહોલ્ડ £125,000થી વધારીને £500,000નો કરાયો છે અને તા. 8 જુલાઈથી તા. 31 માર્ચ 2021 સુધી £500,000ની રેસીડેન્શીલ પ્રોપર્ટી પર કોઇ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે નહિં. જેને પરિણામે 10 માંથી લગભગ નવ ટ્રાન્ઝેક્શન કરમુક્ત રહેશે. રાહતના કારણે સરકાર પર આશરે £3.8 બિલીયનનો બોજો પડશે. ઇંગ્લેન્ડમાં ઘરોને વધુ એનર્જી એફીશીયન્ટ બનાવવા માટેના પ્રોજેક્ટ્સ માટે ઘર દીઠ £5,000 સુધીની સબસીડી અપાશે.
યુવાન કામદારો માટે “કિકસ્ટાર્ટ સ્કીમ”: લાવવામાં આવી છે. યુનિવર્સલ ક્રેડીટ પર 16 થી 24 વર્ષના યુવાનો માટે છ મહિનાના કામના પ્લેસમેન્ટ માટે £2 બિલીયનનું ફંડ બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત દર અઠવાડિયે 25 કલાક માટે લઘુતમ વેતન, વત્તા નેશનલ ઇન્સ્યોરંશ અને પેન્શન ફાળો આપવામાં આવશે. ઇંગ્લેન્ડમાં 16-24 વર્ષની વયના નવા તાલીમાર્થીઓ લેનારા એમ્પ્લોયરોને ટ્રેઇની દીઠ £1,000ની ગ્રાંટ અપાશે. તા. 1 ઓગસ્ટથી ઇંગ્લેંડમાં છ મહિના માટે 25થી ઓછી વયના એપ્રેન્ટિસને રાખનાર એમ્પ્લોઇરને £2,000ની ગ્રાન્ટ અને 25 વર્ષથી વધુ વયના લોકો માટે £1,500ની ગ્રાન્ટ અપાશે.
યુવા જોબસીકર માટે વધારાની સહાય મળે તે માટે ગ્રેટ બ્રિટનમાં જોબસેન્ટર પ્લસમાં વર્ક કોચની સંખ્યા બમણી કરાશે. આ માટે £150 મિલીયનનું ફ્લેક્સિબલ સપોર્ટ ફંડ પૂરૂ પાડવામાં અવશે. ઇંગ્લેન્ડના 18 થી 19 વર્ષના યુવાનો કામ ન શોધી શકે તો મદદ કરવા £101 મિલિયન વાપરવામાં આવશે. આ ઉપરાંત £95 મિલિયન વર્ક અને હેલ્થ પ્રોગ્રામ, £ 40 મિલીયન ત્રણ મહિનાથી ઓછો સમય માટે કામની બહાર રહેનારાઓને નોકરી શોધવામાં સપોર્ટ કરવા અને નેશનલ કેરિયર સર્વિસ માટે બે વર્ષમાં £32 મિલીયન વાપરવામાં આવશે.