ચાન્સેલર ઋષિ સુનકે સ્વીકાર્યું છે કે ચાન્સેલર બન્યા પછી લગભગ બે વર્ષ સુધી તેમણે યુએસ ગ્રીન કાર્ડ રાખ્યું હતું અને તેનો ઉપયોગ ખાનગી મુસાફરી માટે કર્યો હતો. તેઓ યુ.એસ.માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે રહેતા અને કામ કરતા હતા ત્યારે તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું હતું. જો કે તેઓ 2013માં યુએસથી પાછા ફર્યા હતા.
સુનકના પ્રવક્તાએ કહ્યું કે ‘’તેમણે કાયદાનું સંપૂર્ણ પાલન કરીને બિન-નિવાસી તરીકે યુએસ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હતું. ઑક્ટોબર 2021માં ચાન્સેલર તરીકે યુ.એસ.ની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત વખતે તેમણે યોગ્ય કાર્યવાહી વિશે યુએસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તે સમયે તેનું ગ્રીન કાર્ડ પરત કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવતું હતું અને તેમણે તેનુ પાલન કર્યું હતું. સુનક દ્વારા તમામ કાયદાઓ અને નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને ગ્રીન કાર્ડ રાખ્યું હતું તે સમયગાળા દરમિયાન જરૂરી હોય તે સંપૂર્ણ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.”
સુનક યુએસ ગ્રીન કાર્ડ ધરાવતા હોવાના અહેવાલો વિશે વડા પ્રધાન જૉન્સને કહ્યું હતું કે ‘’ચાન્સેલરે જે કરવાનું હતું તે બધું જ કર્યું છે”.
યુએસ છોડ્યા પછી સુનકે આઠ વર્ષ સુધી ગ્રીન કાર્ડ જાળવીને મુસાફરીના હેતુઓ માટે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું તે હકીકત તેમની સામે પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. નિયમ મુજબ જે લોકો એક વર્ષથી વધુ સમય માટે યુએસમાં ગેરહાજર રહે છે તેઓ ગ્રીન કાર્ડ મેળવવાનો અધિકાર અસરકારક રીતે છોડે છે.
યુએસને કાયમી રહેઠાણ તરીકે માનતા બિન-અમેરિકન લોકને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. યુએસ ગ્રીન કાર્ડ ધારકોએ તેમની વિશ્વવ્યાપી આવક પર યુએસમાં ટેક્સ ચૂકવવો પડે છે અને અમેરિકાને તેમના કાયમી નિવાસ તરીકે જાહેર કરવું પડશે. ગ્રીન કાર્ડ ધારકોને કાયમી ધોરણે રહેવા અને કામ કરવા અધિકૃત કરાયા છે. પણ જો તેઓ વિદેશમાં લાંબો સમય રહે તો તે કાર્ડ ગુમાવે તેવું જોખમ રહે છે. એક સમયે છ મહિનાથી વધુ સમય માટે યુ.એસ.થી દૂર રહેવાથી તપાસ અને એક વર્ષથી વધુ સમય માટે વિદેશમાં રહેવાથી ગ્રીન કાર્ડ રદ કરાય છે.