બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં એક વખતે અગ્રીમ રહેલા ઋષિ સુનક હવે એક વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઋષિ સુનકે કહ્યું હતું કે ‘હું ફંડિંગ ફોર્મ્યુલા બદલવાનું શરૂ કરવામાં સફળ રહ્યો હતો. મેં શરૂઆતમાં જોયું હતું કે ભંડોળ તે પ્રકારના ક્ષેત્રોને આપવું જોઈએ જે તેને લાયક છે. લેબર તમામ ભંડોળ વંચિત શહેરોને મોકલતું હતું. ફંડિંગની ફોર્મ્યુલા બદલી વંચિત શહેરી વિસ્તારોમાંથી અન્ય સંપન્ન વિસ્તારોમાં પૈસા ટ્રાન્સફર કરાયા હતા.
કેન્ટમાં ટનબ્રિજ વેલ્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો સાથેની વાતચીતનો આ વીડિયો છે. તેમના આ નિવેદનની ઘણા લોકો દ્વારા ટીકા કરવામાં આવી છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારે ‘ઇંગ્લેન્ડના કેટલાક શ્રીમંત વિસ્તારોમાં મિનિસ્ટર્સ દ્વારા રજૂ કરાયેલા વિસ્તારો સહિત, સૌથી ગરીબ વિસ્તારો કરતાં માથાદીઠ 10 ગણા વધુ નાણાં ફાળવ્યા હતા.’