નવનિયુક્ત બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમનો પરિવાર “ત્યાં રહેવા માટે ખૂબ જ ખુશ હોવાથી” નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટની ઉપર આવેલા એક નાના ફ્લેટમાં રહેવા માટે પરત ફરનાર છે.
1735થી નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિટિશ વડા પ્રધાનોનું નિવાસસ્થાન છે જ્યાં તેમનું કાર્યાલય આવેલું છે અને ત્યાં વિશ્વના નેતાઓથી લઈને રાજવીઓ સુધીના મહેમાનોની આગતા સ્વાગતા કરાય છે. સુનક ચાન્સેલર હતા ત્યારે પણ આ ફ્લેટમાં જ રહ્યા હતા. તાજેતરના વર્ષોના ઘણા વડા પ્રધાનો નંબર 11 ઉપરના ચાર બેડરૂમના મોટા ફ્લેટમાં રહેતા હતા, જે ખરેખર તો સત્તાવાર રીતે ચાન્સેલર માટે નિયુક્ત કરાય છે. આ રીતે ચાન્સેલરના ફ્લેટમાં રહેવા જનાર ટોની બ્લેર પહેલા વડા પ્રધાન હતા.
વડા પ્રધાનને વસવાટ માટે આ ક્વાર્ટર પર ખર્ચ કરવા માટે વાર્ષિક 30,000 પાઉન્ડનું જાહેર અનુદાન મળે છે. એપ્રિલમાં, સુનકે ચાન્સેલર તરીકે રાજીનામું આપ્યું તે પહેલાં, તેમનો પરિવાર તેમના બાળકોની શાળાની નજીક રહેવા માટે ડાઉનિંગ સ્ટ્રીટમાંથી તેમના વેસ્ટ લંડનના મકાનમાં રહેલા ગયો હતો.