3 એપ્રિલના રોજ યુગોવ દ્વારા બહાર પાડવામાં આવેલા એક બીજા નવા સર્વેમાં પણ દેશના વડા પ્રધાન ઋષિ સુનકની આગેવાની હેઠળની શાસક કન્ઝર્વેટિવ પાર્ટીનો સફાયો થઇ જશે એવી આગાહી કરવામાં આવી છે. સર્વેમાં વિપક્ષી લેબર પાર્ટી આરામથી જરૂરી 326 બેઠકોની બહુમત મેળવવા સાથે કુલ 403 બેઠકો જીતશે. જ્યારે ટોરીઝ માત્ર 155 બેઠકો મેળવી શકશે અને તેને 210 બેઠકનું નુકસાન થશે.
યુગોવ દ્વારા 7થી 27 માર્ચ દરમિયાન 18,761 લોકોના ઇન્ટરવ્યુ બાદ નવા મલ્ટી-લેવલ મોડેલિંગ અને પોસ્ટ-સ્ટ્રેટિફિકેશન (MRP) આંકડાઓ મુજબ સર કેર સ્ટાર્મરની આગેવાની હેઠળની લેબર પાર્ટીને 201 બેઠકનો ફાયદો થશે. આ તારણો મુજબ ટોરી 1997માં ભૂતપૂર્વ ટોરી વડા પ્રધાન જ્હોન મેજર હાર્યા તે કરતા વધુ ખરાબ રીતે ટોરીઝ હારશે. તે વખતે ટોની બ્લેરની આગેવાની હેઠળના લેબર સામે ટોરી પાર્ટીના ફક્ત 165 એમપી જીતી શક્યા હતા. લેબરના સૌથી લાંબો સમય સેવા આપનાર વડા પ્રધાન ટોની બ્લેરે હાઉસ ઓફ કોમન્સની ઉપલબ્ધ 659 બેઠકોમાંથી 418 જીતી હતી.
આ સર્વેમાં પણ ચાન્સેલર જેરેમી હંટ, સાયન્સ મિનિસ્ટર મિશેલ ડોનેલન, લેવલીંગ મિનિસ્ટર માઈકલ ગોવ ચૂંટણી હારશે અને અન્ય વરિષ્ઠ ટોરી અગ્રણોમાં કોમન્સના નેતા પેની મોર્ડન્ટ અને ભૂતપૂર્વ મિનિસ્ટર જેકબ રીસ-મોગનું ભાવિ અનિશ્ચીત મનાય છે. લિબરલ ડેમોક્રેટ્સ રાષ્ટ્રીય વોટ શેરમાં કોઈ નોંધપાત્ર ફેરફાર વગર પુનરાગમનના માર્ગ પર છે.
યુગોવ સર્વે મુજબ સ્કોટલેન્ડ લેબર આરામથી સૌથી મોટી પાર્ટી બનવા સાથે 41 ટકા વોટ, કન્ઝર્વેટિવ 24 ટકા, લિબરલ ડેમોક્રેટ્સ 12 ટકા, ગ્રીન્સ 7 ટકા, ફાર-રાઇટ રિફોર્મ યુકે 12 ટકા અને અન્ય 1 ટકા મતો મેળવશે.
આવી જ પધ્ધતી અપનાવીને 2017 અને 2019માં યુકેની સામાન્ય ચૂંટણીઓ માટે સાચી આગાહી કરાઇ હતી.