બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં વિશ્વના સૌથી પ્રતિભાશાળી, તેજસ્વી અને શ્રેષ્ઠ લોકોને આકર્ષવા અને યુકેને “દીવાદાંડી” સમાન બનાવવાના પોતાના વિઝનના ભાગરૂપે એક નવી યોજનાનું અનાવરણ કર્યું હતું.
બર્મિંગહામમાં કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ની વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા સુનકે બિઝનેસ ચીફ અને પ્રોફેશનલ્સને કહ્યું હતું કે દેશની બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન નીતિ પર નિયંત્રણ નિર્ણાયક છે. જો કે, તેમણે “ઉદ્યોગ સાહસિકો અને ઉચ્ચ કુશળતા ધરાવતા લોકો માટે વિશ્વની સૌથી આકર્ષક વિઝા પ્રણાલીઓમાંની એક બનાવવા અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ સાથે બિઝનેસ ડીલ કરવા માટે “બ્રેક્ઝિટ ફ્રીડમ્સ”નો ઉપયોગ કરવાનું વચન આપ્યું હતું.
સુનકે અગાઉ સંસદને કહ્યું હતું કે તેઓ “શક્ય તેટલી ઝડપથી” ભારત સાથેનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પૂર્ણ કરવા માંગે છે.
તેમણે જણાવ્યું હતું કે “અમે વિશ્વની ટોચની AI પ્રતિભાને અમેરિકા અથવા ચીન તરફ ખેંચાવાની મંજૂરી આપી શકીએ નહિ. તેથી જ અમે AI પર વિશ્વની ટોચની 100 યુવા પ્રતિભાઓને ઓળખીને આકર્ષવા માટે એક કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. હું ઈચ્છું છું કે યુકે શીખવાની, શોધ અને કલ્પનાનું, સંભવિત અનુભૂતિ અને મહત્વાકાંક્ષાઓનું પરિપૂર્ણ સ્થળ બને. આ રીતે અમે અમારા તમામ લોકોનું જીવન સુધારીશું. અને તમારા વડા પ્રધાન તરીકે, હું તે જ કરવાનો છું.”
તેમણે દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાના તેમના નિર્ધારને પુનરાવર્તિત કર્યો હતો. સીબીઆઈએ યુકેના અર્થતંત્રના અમુક ક્ષેત્રો જેમ કે હોસ્પિટાલિટીમાં કામદારોની અછતને પહોંચી વળવા વધુ ઈમિગ્રેશનને મંજૂરી આપવા સરકારને હાકલ કરી છે.