કન્ઝર્વેટીવ નેતૃત્વના મહત્વાકાંક્ષી ઋષિ સુનક દિન પ્રતિદિન સફળ થઇ રહ્યા છે ત્યારે તેમના હરીફો અને વડા પ્રધાન બોરિસ જૉન્સનના વફાદારો તરફથી તેમને રોકવા માટે હુમલા તેજ કરાયા છે.
બ્રેક્ઝિટ ઓપોર્ચ્યુનિટી મિનીસ્ટર જેકબ રીસ-મોગે સુનક પર દેશના અર્થતંત્રના ગેરવહીવટ અને કરવેરાને “સમાજવાદી” સ્તરે વધારવાથી શાસક પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. તો કલ્ચર સેક્રેટરી નાદિન ડોરીસે દાવો કર્યો હતો કે સુનકના સાથીઓએ નેતૃત્વની સ્પર્ધામાં “ગંદી યુક્તિઓ”નો ઉપયોગ કર્યો હતો. આરોપ છે કે તેમના સમર્થક ગેવિન વિલિયમસને દાવેદાર જેરેમી હંટ આંતર-પક્ષીય સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
રીસ-મોગ અને ડોરીસે લિઝ ટ્રુસને ટેકો આપ્યો છે. 2019માં ટોરી લીડરશીપ રેસમાં જૉન્સન સામે હારનાર હન્ટે વર્તમાન આર્થિક મથામણ અને વિકાસમાં સંભવિત સંકોચન માટે સુનકને જવાબદાર ઠેરવ્યા હતા. ટોમ ટુગેન્ધાતે યુકેના સંરક્ષણ ખર્ચમાં વધારો કરવાનું વચન ન આપવા બદલ સુનાકની ટીકા કરી હતી.
બીજી તરફ સુનકે, “પરીકથા”ના વચનો આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે “ઘણા વધુ ખર્ચ અને ઓછા કરનું વચન આપવું વિશ્વસનીય નથી. તેમણે જૉન્સનની ટીકા કરવાનો પણ ઇનકાર કર્યો હતો અને તેમને “હું મળ્યો છું તે સૌથી નોંધપાત્ર લોકોમાંના એક અને વિવેચકો ભલે ગમે તે કહે, પણ તેમનું હૃદય સારું છે” એમ કહ્યું હતું.
ઋષિ સુનકે વડા પ્રધાનની રેસની શુક્રવારે રાત્રે ચેનલ 4 ઉપર યોજાયેલી પ્રથમ ટેલિવિઝન ચર્ચામાં પોતાનો મુખ્ય આધાર પ્રામાણિકતા પર રાખી કરવેરામાં કાપ મૂકવાના તાત્કાલિક પગલા અંગે સમજદારીપૂર્વકની તેમની આર્થિક યોજના પર અડગ રહ્યા હતા. તેમણે લિઝ ટ્રસ સાથે જો તેઓ 10 ડાઉનિંગમાં નવા હોદ્દેદાર તરીકે ચૂંટાઈ આવે તો પ્રથમ દિવસથી જ કર ઘટાડવાના તેમના વચન પર ચર્ચા કરી હતી. ટોચના ત્રણ ઉમેદવારો પૈકી, કેટલાક ટેક્સમાં ઘટાડો કરવા માંગે છે.
90-મિનિટની આ ચર્ચામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઓપિનિયમના સ્નેપ સર્વેમાં ટુગેન્ધાતને 36 ટકા મતો સાથે વિજેતા જાહેર કરાયા હતા. ત્યારબાદ સુનક 24 ટકા, મોર્ડન્ટ અને બેડેનોકને 12 ટકા અને ટ્રસને 7 ટકા મત મળ્યા હતા.
સુનક સંસદના ટોરી સભ્યોમાં પ્રિય છે અને ગુરુવાર સુધીમાં તેઓ અંતિમ બેમાં આવે તેવી વ્યાપક અપેક્ષા છે.
બીજી તરફ ગુરુવારે બીબીસી રેડિયોને ઋષિ સુનકે જણાવ્યું હતું કે જો તેઓ વડા પ્રધાન બનશે તો તેમની પ્રથમ આર્થિક પ્રાથમિકતા ઉચ્ચ ફુગાવાને પહોંચી વળવાની હશે. હું સંસદમાં ટેક્સમાં ઘટાડો કરીશ, પરંતુ હું ચૂંટણી જીતવા માટે ટેક્સ કાપીશ નહિં.’’ પોતાને સંપન્ન ગણાવતા લોકોને જવાબ પતાં જણાવ્યું હતું કે હું લોકોને તેમના બેંક ખાતાને બદલે તેમના કેરેક્ટર દ્વારા ઓળખવા માંગુ છું, અને આશા છે કે અન્ય લોકો પણ તેમ જ કરશે. જ્યારે રોગચાળો ત્રાટક્યો ત્યારે હું સારી રીતે સમજી ગયો હતો કે તેની અસર દેશના ઉપર અને નીચે લાખો લોકો પર પડી શકે છે.”