અનેક ગરબડો વચ્ચે લિઝ ટ્રસની સરકાર ટૂંકા સમયમાં તૂટી પડ્યા બાદ એક વર્ષના શાસનકાળમાં દેશને મહદઅંશે સ્થિર કરનાર શાંત અને સૌમ્ય જણાતા વડા પ્રધાન ઋષિ સુનક આગામી ચૂંટણીઓ પહેલા લડાયક રૂખ અપનાવી પોતે દેશને કેવી રીતે બદલવા માંગે છે તેની સ્પષ્ટ રૂપરેખા આપી રહ્યા છે. વધુ સ્પષ્ટ ઇન્ટરવ્યુ સાથે તેઓ નેટ ઝીરો અને ક્લાઈમેટ ચેન્જ, HS2ના એક્સ્ટેન્શન, ટેક્સમાં કપાત અને ઇમીગ્રેશન બાબતે પોતાના નેતૃત્વના વિઝનને સ્પષ્ટ કરતા બોલ્ડ નિર્ણયો લઇ રહ્યા છે. જેના કારણે બ્રિટીશ જનમાનસમાં તેમની આગવી છાપ ઉપસી રહી છે.
રવિવારથી માન્ચેસ્ટરમાં શરૂ થયેલા કોન્ઝર્વેટીવ પાર્ટી કોન્ફરન્સને વડા પ્રધાન તરીકે સુનક પહેલી વખત 4 ઓક્ટોબરના રોજ સંબોધનાર છે ત્યારે ચારેય તરફથી વિવિધ વર્ગના લોકો દ્વારા તેમના પ્રવચનની રાહ જોવાઇ રહી છે.
તાજેતરના નીતિવિષયક નિર્ણયો તેમને ઓપિનિયન પોલ્સમાં થોડું બળ આપ્યું હોવાનું મનાય છે. આ ટોરી કોન્ફરન્સ સુનકને બ્રિટિશ મતદારો પર જીત મેળવવામાં મદદ કરશે અને તેમની પોતાની પાર્ટીમાં રહેલા વિભાજનકારી અવાજોને રોકવા માટે પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
સુનક સ્થાનિક મુદ્દાઓ બાબતે બોલીને બ્રિટિશ સમાજ પર પ્રભાવ પાડી રહ્યા છે. તેઓ જાણે છે કે જનતા મહત્વની છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે “હું વાહનચાલકો પરના યુદ્ધ પર બ્રેક લગાવી રહ્યો છું. સ્થાનિક સમુદાયો પર લાદવામાં આવતી ઓછા ટ્રાફિકવાળા નેઇબરહૂડની તથા 20 માઇલ પ્રતિ કલાકની ઝડપની મર્યાદાની તરંગી યોજનાઓને રોકવાની જરૂર છે.”
ક્લાયમેટ ચેન્જ પર સુનકનો અભિગમ
ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટે બ્રિટનની યોજનાઓ અને ગ્રીન પોલિસીમાં ફેરફારો અંગે સુનકે ગયા મહિને 2050 સુધીમાં પ્લેનેટ-વોર્મિંગ કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો સુધી ઘટાડવા માટે રચાયેલ ગ્રીન પોલીસીઓ અને તાજેતરમાં મોટરચાલકોને મદદ કરવા માટેના પગલાંની ચર્ચા કરી હતી.
ગ્રીન પોલિસીમાં ફેરફારો ટૂંકા ગાળાના રાજકીય લાભ માટે કરાતા હોવાના આક્ષેપોને નકારી કાઢતા શ્રી સુનકે કહ્યું હતું કે ‘’યુકે સરકારની કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકોને પૂર્ણ કરવાની “જવાબદારી” છે, પરંતુ અમે તે વધુ પ્રમાણસર અને વ્યવહારિક રીતે કરી શકીએ છીએ.’’
સુનકે હીટિંગ અને ઇન્સ્યુલેશન પરના લક્ષ્યોને સરળ બનાવ્યા છે. જો કે તેમણે કહ્યું છે કે યુકે એકંદરે 2050 નેટ ઝીરો લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે.
વડા પ્રધાન ઋષિ સુનકે 20 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ‘’નેટ ઝીરો પર સ્વિચ કરવા માટે બ્રિટનના લોકોની સંમતિ મેળવવા અને મતદારોનો ટેકો મેળવવા માટે યુકેમાં પેટ્રોલ કાર પરના પ્રતિબંધમાં 5 વર્ષ સુધીનો વિલંબ કર્યો છે. હું 2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવાના કાયદાકીય રીતે બંધનકર્તા લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છું. પરંતુ બ્રિટન વિશ્વના અન્ય દેશો કરતાં ઘણું આગળ છે. સરકાર ઘરોમાં ગેસ બોઈલર દૂર કરી હીટ પંપ લાવવાના અભિગમને સરળ બનાવશે અને કોઈપણ ઘરને તેમના ઇન્સ્યુલેશનને સુધારવા માટે દબાણ કરશે નહીં. અમે નીતિ બદલી રહ્યા છે કારણ કે અગાઉની સરકારોએ જનતાના સમર્થનને પ્રાપ્ત કર્યા વિના નેટ ઝીરો લક્ષ્યાંકો સેટ કરવા માટે ખૂબ ઝડપથી આગળ વધી હતી.’’
દેશ હઠીલા ઉચ્ચ ફુગાવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સાથે સંઘર્ષ કરી રહ્યો છે તેથી આક્ષેપ કરાય છે કે સુનક સરકાર આવતા વર્ષે અપેક્ષિત રાષ્ટ્રીય ચૂંટણી જીતવા ગ્રીન પોલીસી પાછી ખેંચીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરના અઠવાડિયામાં સરકારે બ્રેક્ઝિટ પછીની બોર્ડર તપાસમાં વિલંબ કરીને રોકાણકારોને પણ અસ્વસ્થ કર્યા છે અને ઑફશોર પવન પર કોઈ બિડ ખેંચવામાં નિષ્ફળ રહી છે.
ઋષિ સુનકનું નવુ રૂપ કે સુનકનો અક્રમક અભિગમ
આગામી થોડા દિવસોમાં ઋષિ સુનકને નવા રૂપમાં જોવામાં આવે તો નવાઇ નહિં. ‘મિસ્ટર સેફ પેર ઑફ હેન્ડ્સ’માંથી સુનકને હવે ‘નો મોર મિસ્ટર નાઇસ ગાય’નું સ્વરૂપ અપાઇ રહ્યું છે. તેમને શરૂઆતમાં લોકો સમક્ષ સલામત, જવાબદાર અને ગંભીર વ્યક્તિ તરીકે રજૂ કરાયા હતા. પરંતુ તેઓ ફાયરબ્રાન્ડ હતા, વિશ્વને બદલવા માટે ઉત્સાહથી છલકતો હતા.
કન્ઝર્વેટિવ વ્યૂહરચનાકારો માને છે કે મતદારો આગામી ચૂંટણીમાં કંઈક અલગ જ ઈચ્છશે. માટે સુનકને એવી વ્યક્તિ તરીકે રજૂ (પિચ) કરાય છે કે તેઓ યથાસ્થિતિ બધું બદલવા માંગે છે. ગયા અઠવાડિયે તેમના મોટા ભાષણમાં સ્પષ્ટ વાત હતી કે “શું આપણે આપણા દેશને બદલવા માંગીએ છીએ… અથવા આપણે જેમ છીએ તેમ ચાલુ રાખવા માંગીએ છીએ? આપણે જેવી રીતે રાજકારણ કરીએ છીએ તે બદલવું પડશે.”
સુનકે ગ્રીન એજન્ડા પર બ્રેક મૂક્યા પછી અને અક્સબ્રિજ પેટાચૂંટણીની જીત પછી સાદિક ખાનના લંડનના અલ્ટ્રા લો એમિશન ઝોન (યુલેઝ)ના વિસ્તરણે ટોચના કન્ઝર્વેટિવોનું ધ્યાન ખેંચ્યું છે અને તેથી જ સુનકે ગ્રીન પોલીસીમાં બદલાવ કર્યો છે.
ચૂંટણી પૂર્વે ટેક્સમાં કાપ મૂકવાનો ઇનકાર
કેબિનેટ પ્રધાન માઈકલ ગોવના ચૂંટણી પહેલા ટેક્સમાં ઘટાડો કરવાના નિવેદન બાદ વડા પ્રધાન સુનકે જણાવ્યું હતું કે મોંઘવારી ઘટાડવાની મારી સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે અને હું ટેક્સમાં ઘટાડો કરવા માંગું છું. પરંતુ આગામી સામાન્ય ચૂંટણી પહેલા તેમ કરશે કે કેમ તે કહેવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
શ્રી સુનકે કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા ફુગાવાને કાબૂમાં રાખવાની અને જીવન ખર્ચમાં સરળતા લાવવાની છે. ઓગસ્ટમાં ફુગાવાનો દર 6.7 ટકા હતો અને સુનકનું ફુગાવો ઘટાડવાનું લક્ષ્યાંક 5.3 ટકા છે. ચાન્સેલર જેરેમી હંટ નવેમ્બરમાં તેમના ઓટમ સ્ટેટમેન્ટમાં આર્થિક યોજનાઓ નક્કી કરનાર છે પણ તેમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કરવેરા કાપ હાલમાં “વર્ચ્યુઅલ રીતે અશક્ય” છે.
માઇકલ ગોવે પણ કહ્યું હતું કે જ્યારે ફુગાવો “કાબૂમાં” આવે હોય ત્યારે જ ટેક્સમાં ઘટાડો કરી શકાય તેમ છે. મોંઘવારી ઘટાડવા સરકાર પાસે મર્યાદિત સાધનો છે.
ખર્ચાળ હાઇ-સ્પીડ રેલ લાઇન
વડા પ્રધાન ઋષિ સુનક હાઇ-સ્પીડ રેલ લાઇનના બર્મિંગહામથી માન્ચેસ્ટરના વિસ્તરણ પર કુહાડી મારવા તૈયાર છે અને તેમના પર HS2ના ભવિષ્ય વિશે સ્પષ્ટતા કરવા દબાણ થઇ રહ્યું છે એવા અહેવાલો વચ્ચે સુનકે કહ્યું છે ‘’મને અકાળે નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવશે નહીં કારણ કે તે કોઈના માટે સારું છે. સરકારે HS2ને બિલકુલ છોડી નથી પરંતુ તેના પર “પ્રચંડ રકમ” ખર્ચવામાં આવી રહી છે. તેથી યોગ્ય લાંબા ગાળાનો નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે. હું જે કરવા માંગુ છું તે દેશ માટે યોગ્ય નિર્ણય છે.’’ ડાઉનિંગ સ્ટ્રીટે આગ્રહ કર્યો હતો કે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને હવે અપેક્ષા રખાય છે કે આખરે બુધવારે ટોરી કોન્ફરન્સના વડા પ્રધાનના ભાષણમાં તેની પુષ્ટિ મળી શકે છે.
તો વેસ્ટ મિડલેન્ડ્સ મેયર એન્ડી સ્ટ્રીટે કહ્યું છે કે મિનિસ્ટર્સે HS2 બાબતે હાર ન માનવી જોઈએ અને તે અંગે “આમૂલ રીતે” પુનર્વિચાર કરવો જોઈએ. સંખ્યાબંધ વરિષ્ઠ કન્ઝર્વેટિવ નેતાઓએ પણ વડા પ્રધાનને વિનંતી કરી છે કે તેઓ માન્ચેસ્ટર સુધીના વિસ્તરણને ઉઝરડા ન કરે.
ભૂતપૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસબોર્ને જણાવ્યું હતું કે ‘’HS2 નોર્થ ઇંગ્લેન્ડના મતદારોને આપવાની એક શ્રેષ્ઠ તક છે અને માન્ચેસ્ટરમાં બીજા તબક્કાને રદ કરવું એ એક મહાન દુર્ઘટના હશે. NPR એ HS2 નો વિકલ્પ નથી અને બંને પ્રોજેક્ટ એકસાથે આગળ વધવા જોઈએ”.
ભૂતપૂર્વ વડા પ્રધાનો બોરિસ જૉન્સન, થેરેસા મે અને ડેવિડ કેમરને પણ હાઇ-સ્પીડ લાઇનને પાછી સ્કેલિંગ કરવા સામે ચેતવણીઓ આપી છે. જો કે, કેટલાક ટોરી સાંસદો HS2 નો વિરોધ કરે છે અને તેમની દલીલ છે કે તે નાણાંનો વ્યય છે અને ટ્રાન્સપોર્ટ લિંક્સને સુધારવા માટે વધુ સારી રીતો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ લાઇનનો ઉદ્દેશ્ય મુસાફરીના સમયમાં ઘટાડો, રેલ નેટવર્ક પર વધુ જગ્યા અને લંડનની બહાર વધુ નોકરીઓ ઉભી કરવાનો છે. પરંતુ HS2ને વિલંબ, વધતા જતા ખર્ચ અને કાપનો સામનો કરવો પડ્યો છે.
ઋષિ સુનકની બહુમતી જોખમમાં
ઋષિ સુનકની બહુમતી જોખમમાં છે અને કહેવાય છે કે 60 ટોરી સાંસદો લિઝ ટ્રસના બળવાખોરોના પ્રો-ગ્રોથ જૂથમાં જોડાયા છે અને ટેક્સ કાપની માંગણી કરી રહ્યા છે. જેને કારણે સંસદમાં સુનકની બહુમતી જોખમમાં મૂકાઈ છે. નાઇજેલ ફરાજ પણ સોમવારે શ્રીમતી ટ્રસના સમર્થનમાં બહાર આવ્યા હતા.
ભૂતપૂર્વ વડા પ્રધાને ટ્રસે સોમવારે માન્ચેસ્ટરમાં પાર્ટી કોન્ફરન્સમાં ટોરી સભ્યોની મોટી ભીડ ખેંચી હતી અને આ વર્ષે “બ્રિટનને ફરીથી વિકાસ કરવા” માટે કોર્પોરેશન ટેક્સ ઘટાડીને 19 ટકા કરવા માંગણી કરી હતી.
તેમની સાથે રાનિલ જયવર્દને, પ્રીતિ પટેલ, જેકબ રીસ-મોગ પણ જોડાયા છે અને સરેઆમ કહ્યું હતું કે “અમે હવે ડરપોક બની શકીએ નહીં, અમે જોખમ ટાળી શકીએ નહીં અને અમે યથાસ્થિતિ સ્વીકારી શકીએ નહીં.”