બ્રિટનની વિખ્યાત ફૂડ કંપની સન માર્કે 14મી ફેબ્રુઆરી 2022ના રોજ દુબઇની ભવ્ય શાંગરી-લા હોટેલમાં ગુલફૂડ પ્રદર્શન દરમિયાન તેનું વાર્ષિક સેલિબ્રેશન ડિનર આયોજિત કર્યું હતું. જેમાં મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા, યુએસએ, કેનેડા, મોરેશિયસ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
સન માર્ક જૂથના અધ્યક્ષ લોર્ડ રામી રેન્જર CBE દ્વારા યોજાયેલા આ ડીનરમાં
મુખ્ય અતિથિ તરીકે ડૉ. અમન પુરી, યુએઈમાં ભારતના કાઉન્સેલ જનરલ ઉપસ્થિત રહ્યા હતા. સન માર્કના સીઈઓ શ્રી હરમીત (સની) આહુજાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
લોર્ડ રેન્જરે તેમની સાથે નજીકથી કામ કરનારા તમામની સરાહના કરી ગ્રાહકો, સપ્લાયર્સ, અન્ય સેવા આપનારા લોકો તેમજ તેમની ટીમનો આભાર માન્યો હતો.
ડૉ. અમન પુરીએ લોર્ડ રેન્જર સાથે કેવી રીતે હંમેશા નજીકથી કામ કર્યું છે તે વિશે વાત કરી ભારતીય ડાયસ્પોરાનો આભાર માન્યો હતો.
આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર શ્રી પરેશ રુઘાણીએ મહેમાનોને સંબોધિત કરી લોર્ડ રેન્જરના પ્રેરણાદાયી નેતૃત્વ અને કેવી રીતે તેમણે હંમેશા તેમની સિદ્ધિઓમાં તેમના પરિવારની ભૂમિકા પર ભાર મૂક્યો છે તેના વિશે તેમના મંતવ્યો શેર કર્યા હતા.
આ કાર્યક્રમમાં સન માર્કે વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ચીફ જોસેફ ઉકેજી, (જે.આઈ. ઇજિસન ઇન્ટરનેશનલના ચેરમેન); આતિફ મજીદ (સુપર એશિયા ફૂડ્સ, કેનેડા); મુકેશ રાજવાણી (જયદેવ સ્ટોર્સ, સિએરા લિયોન) અને આશિષ અગ્રવાલ (સ્પાઈસી વર્લ્ડ ઓફ યુએસએ)નુ બહુમાન કર્યું હતું.
સન માર્ક દસ વર્ષથી દુબઈ ફૂડ એક્ઝિબિશનમાં ભાગ લઇ રહ્યું છે. બ્રિટનના ગૌરવ તરીકે સન માર્ક એક્ઝિબિશનમાં સૌથી મોટા પ્રદર્શકોમાંનું એક છે, જે અગ્રણી બ્રિટિશ બ્રાન્ડ્સ સાથેના અનન્ય જોડાણ દ્વારા શ્રેષ્ઠ બ્રિટિશ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરે છે.
સન માર્ક એકમાત્ર એવી બ્રિટિશ કંપની છે જેને સતત 5 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ટ્રેડમાં ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઇઝ નાયત થયો છે. હાલમાં તે 130 થી વધુ દેશોમાં વેચાણ કરે છે. સન માર્કના મિસ્ટર મોહનીશ સિંઘે આભાર વ્યક્ત કર્યો હતો.