એક ભારતીય કોર્ટે ચીનની દિગ્ગજ કંપની અલીબાબા અને તેના ફાઉન્ડર જેક માને સમન્સ પાઠવ્યા છે. હકીકતે એક ભારતીય કર્મચારીની ફરિયાદના આધારે જેક માને આ સમન્સ મોકલવામાં આવ્યા છે. તે કર્મચારીએ પોતાને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
એક ભારતીય કર્મચારી ચીનની યુસી બ્રાઉઝર નામની કંપનીમાં કામ કરતો હતો. ભારતીય કર્મચારીના આરોપ પ્રમાણે યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝમાં ખોટા સમાચાર ફેલાવવામાં આવે છે અને ત્યાર બાદ તે કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમાં અલીબાબા કંપનીની એપ યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝ પણ સામેલ છે.
સરકારે આ પ્રતિબંધ લદ્દાખ સરહદ પર ચીની સૈનિકો સાથેના તણાવને અનુલક્ષીને લાગુ કર્યો હતો કારણ કે તે અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. કેન્દ્ર સરકારે સુરક્ષાનો હવાલો આપીને આ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો.
કોર્ટના ફાઈલિંગ પ્રમાણે 20મી જુલાઈના રોજ અલીબાબાની યુસી વેબના એક પૂર્વ કર્મચારી પુષ્પેન્દ્ર સિંહ પરમારે એવો આરોપ મુક્યો હતો કે યુસી વેબ ચીન વિરૂદ્ધના તમામ કન્ટેન્ટને સેન્સર કરે છે અને યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ પર ફેક ન્યૂઝ ચલાવવામાં આવે છે.
ગુરૂગ્રામ ખાતે આવેલી સિવિલ કોર્ટના જજ સોનિયા શેઓકાંડે અલીબાબા, જેક મા અને આશરે એકાદ ડઝન લોકો વિરૂદ્ધ સમન્સ જાહેર કર્યા છે. કોર્ટના કહેવા પ્રમાણે 29મી જુલાઈ સુધીમાં આ બધા લોકોએ અહીં આવવું પડશે અથવા તો પોતાના વકીલને અહીં કોર્ટમાં મોકલવા પડશે. ન્યાયાધીશે કંપની અને કાર્યકારીઓને 30 દિવસની અંદર લેખિત જવાબ આપવા પણ જણાવ્યું છે.