વેસ્ટમિન્સ્ટર પેલેસ ખાતે એક સમારોહમાં તેણીનો લેટર્સ પેટન્ટ (વકીલાતમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર દર્શાવતો દસ્તાવેજ) પ્રાપ્ત કર્યા પછી, સેન્ટ્રલ લંડનની રોયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસની બહાર હિજાબ પહેરેલ ક્રિમીનલ બેરિસ્ટર સુલતાના તફાદાર QCએ તેમની ક્વીન્સ કાઉન્સેલ (QC) તરીકેની નિયુક્તને ‘અવાસ્તવિક’ ગણાવી હતી.
તેમણે કારકિર્દી દરમિયાન સહન કરેલા પડકારોના “સ્તરો”ના પ્રકાશમાં આ સન્માનને “‘અવાસ્તવિક” તરીકે ઓળખાવ્યું હતું. સુલતાના તફાદાર, ક્યુસીએ તેણીના હિજાબને કારણે સહન કરેલા પડકારો વિશે પણ ખુલાસો કર્યો હતો.
લ્યુટનમાં જન્મેલા અને ઉછરેલા અને બાંગ્લાદેશી મૂળ ધરાવતા શ્રીમતી તફાદારને 2005માં બારમાં બોલાવવામાં આવ્યા હતા અને પછીથી હિજાબ પહેરેલા પ્રથમ મહિલા ક્રિમિનલ બેરિસ્ટર બન્યા હતા.
તેમણે કહ્યું કે તે ‘’શહીદ ફાતિમા પછી QC બનનાર બીજી હિજાબ પહેરેલી બેરિસ્ટર છે – પરંતુ હિજાબ પહેરનાર પ્રથમ ક્રિમિનલ બેરિસ્ટર છે. હું સંપૂર્ણપણે આનંદિત છુ. ક્યુસી બનવું એ ખાસ મહત્વ ધરાવે છે કારણ મેં જ્યારે પ્રોફેશનની શરૂઆત કરી ત્યારે મેં મારા જેવું કોઈ જોયું ન હતું. તમારૂ પ્રતિનિધિત્વ હોવું ખરેખર મહત્વનું છે. હું વધુ હિજાબ પહેરેલી મહિલાઓને પ્રોફેશનની ઊંચાઈએ પહોંચવાના સપનાને “વાસ્તવિકતા બનવા”માં મદદ કરી શકું છું. કોર્ટમાં અને ચેમ્બરમાં ઘણાં પડકારો આવ્યા છે, પરંતુ મને એ કહેતા આનંદ થાય છે કે તે પડકારોને દૂર કરવા શક્ય છે અને વિશાળ તકો હોવાના કારણે ચમકવું શક્ય છે.’’
આંકડા દર્શાવે છે કે આશરે 2,000 QCsમાંથી અશ્વેત, એશિયન અથવા મિશ્ર વંશીય વારસાની મહિલાઓની માત્ર થોડીક જ ટકાવારી છે.