સામાજીક કાર્યકર અને ‘સુલભ ઈન્ટરનેશનલ’ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવાર, 15 ઓગસ્ટે દિલ્હીની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને તે પછી તરત જ ઢળી પડ્યાં હતા.ડો. પાઠકને 2003માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
તેમણે સુલભ ટોયલેટને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી હતી. બિન્દેશ્વર પાઠકે સુલભ શૌચાલય શરૂ કર્યા હતા. બિંદેશ્વર પાઠકનો જન્મ 2 એપ્રિલ 1943ના રોજ બિહારના વૈશાલી જિલ્લાના એક ગામમાં થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા.
આ પછી તેમણે પટના યુનિવર્સિટીમાંથી માસ્ટર અને પીએચડી કર્યું. તેમણે વર્ષ 1968-69માં બિહાર ગાંધી જન્મ શતાબ્દી ઉજવણી સમિતિ સાથે કામ કર્યું હતું. આ જ સમિતિએ તેમને સસ્તી શૌચાલય ટેક્નોલોજી વિકસાવવા પર કામ કરવા જણાવ્યું હતું. તે સમયે ઉચ્ચ જાતિના પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા માટે શૌચાલય ક્ષેત્રમાં કામ કરવું સરળ નહોતું. પરંતુ તેઓ પોતાના ઈરાદાથી ક્યારેય પાછળ હટ્યા ન હતા. તેમણે મેલું ઉપાડવા અને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા પર કામ કર્યું હતું. તેમણે 1970માં સુલભ ઈન્ટરનેશનલની સ્થાપના કરી હતી. આ એક સામાજિક સંસ્થા હતી.