વુલ્વરહેમ્પ્ટનના એટીંગ્સહોલના ટેંગમેર રોડ પર રહેતી સુખજીત ઉપ્પલ નામની 40 વર્ષીય મહિલાની 19 સપ્ટેમ્બર, રવિવારે રાત્રે 8 વાગ્યે તેના જ ઘરમાં વારંવાર છરીના ઘા મારી હત્યા કરવાના આરોપ બદલ 50 વર્ષીય જયસિંહને વુલ્વરહેમ્પ્ટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરી વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે તેના પર હત્યાનો આરોપ મૂક્યો હતો. 25 ઓક્ટોબર, 2021ના રોજ અરજીની સુનાવણી નક્કી કરવામાં આવી છે.
ગંભીર ઇજા પામેલી સુખજીતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હત્યા પાછળ ઘરેલુ તકરાર જવાબદાર હોવાનું મનાય છે. ઇમરજન્સી સેવાઓને રાત્રે 8:10 વાગ્યે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પરંતુ મેડિક્સના પ્રયત્નો છતાં, શ્રીમતી ઉપ્પલને મૃત જાહેર કરાયા હતા.
સુખજીતના પરિવારે કહ્યું: “અમારી સુંદર, દયાળુ બહેન અમને ક્યારેય મળી શકશે નહિં. તે સૌથી વધારે દરકાર રાખતી, પ્રેમાળ લોકોમાંની એક હતી. તેણીએ ક્યારેય પણ દ્વેષ રાખ્યો ન હતો અને દરેકને પ્રેમ કરતી હતી. તેના બાળકો, માતા અને ભાઈ અને બહેન પાસેથી તેને છીનવી લેવામાં આવી છે. આ તેણીનો જવાનો સમય નથી.’’
કુરિયર સની સિંહે કહ્યું હતું કે “હું કામ પર હતો, પણ મારી પત્ની ઘરે હતી. તે આ બધાથી ખૂબ અસ્વસ્થ થઇ જતાં તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવી પડી હતી. અમે તેમને જાણીએ છીએ અને તે દરેક લોકો માટે ખૂબ જ દુ:ખદ છે.”
બીજા પાડોશીએ કહ્યું હતું કે “હું તે વિશે વાત કરવા માંગતો નથી. આ મારા માટે ખૂબ જ અસ્વસ્થ સમાચાર છે. હું તેમને ઓળખું છું અને અમે બધા જ આઘાતમાં છીએ.”
વેસ્ટ મિડલેન્ડ પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’આ મુશ્કેલ સમયે સુખજીતના પરિવાર સાથે અમારી લાગણીઓ છે; સમજી શકાય છે કે તેઓ દિલથી તૂટી ગયા છે.”