ભારતીય મૂળના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 73 વર્ષીય સુખવિન્દર સિંઘને £331,858ની છેતરપિંડી અને મની લોન્ડરિંગના એક કેસમાં દોષી ઠેરવી ઈંગ્લેન્ડની યોર્ક ક્રાઉન કોર્ટે સાડા પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.
સિંઘે એક વિશ્વસનીય મિત્ર અને પ્રોફેશનલ ફાઇનાન્સીયલ એડવાઇઝર તરીકે અસક્ષમ પીડિતનો વિશ્વાસ કેળવીને છેતરપિંડી કરી હતી. તેણે નાણાં અને મિલકતને અન્યત્ર વાળી વિશ્વાસનો ભંગ કર્યો હતો. પિડીત A ના માતા-પિતા મૃત્યુ પામ્યા ત્યારે સિંઘે નાણાકીય બાબતોને ઉકેલવાની ઓફર કરી પીડિતના બેંક ખાતામાંથી £34,000 લઇને સપ્ટેમ્બર 2016માં પોતાના ખાતામાં ચૂકવ્યા હતા. તે જ મહિને સિંઘે હેરોગેટ શહેરમાં આવેલા પિડીત A ના ઘરની માલિકી ટ્રાન્સફર કરી હતી. જેની કિંમત લગભગ £275,000 હતી. પરંતુ બદલામાં A ને કોઈ પૈસા આપવામાં આવ્યા ન હતા.
સિંઘે છેતરપિંડીને સરળ બનાવવા માટે તેમના કમ્પ્યુટર પર કરારો અને પત્રો સહિત સંખ્યાબંધ દસ્તાવેજો બનાવ્યા હતા.
સિંઘની ધરપકડ સમયે જપ્ત કરાયેલા પુરાવા જોતાં તે પિડીત Aનો સ્પેનમાં આવેલ એક એપાર્ટમેન્ટ (£62,000) અને જર્સીમાં બેંક ખાતામાં રાખેલા લગભગ £5,000 લેવાનો પ્રયાસ કરતો હતો.