હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને યુ.એસ.માં વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે માઇગ્રેશન પરના ભાષણ દરમિયાન બહુસાંસ્કૃતિકવાદ “નિષ્ફળ” રહ્યો હોવાનું જણાવતા યુકેમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમણે કોઈ નવી નીતિઓની રૂપરેખા આપી ન હતી પરંતુ એસાયલમ આપવા અને 1951ના એસાયલમ કન્વેન્શનમાં ફેરફારો કરવા માટે નવા આંતરરાષ્ટ્રીય અભિગમ માટે હાકલ કરી યુએનને લલકાર કર્યો છે.
સુએલા બ્રેવરમેને કહ્યું હતું કે સમલૈંગિક અથવા સ્ત્રી હોવાના ભેદભાવનો ડર રેફ્યુજી પ્રોટેક્શન માટે લાયક બનવા માટે પૂરતો હોવો જોઈએ નહિં. તેણીએ દલીલ કરી હતી કે બીજા વિશ્વયુદ્ધ પછી ઘડવામાં આવેલ યુએનનું 1951નું એસાયલમ કન્વેન્શન આપણા આધુનિક યુગ માટે યોગ્ય હતું? કેમ કે તે વખતે પૂર્વગ્રહથી ડરતા લોકો માટે, દમનથી ભાગી રહેલા લોકોને મદદ કરવા માટે કાયદાઓ ઘડવામાં આવ્યા હતા.
બ્રેવરમેને કહ્યું હતું કે ‘’યુએન રેફ્યુજી કન્વેન્શને 780 મિલિયન લોકોને શરણાર્થી અધિકારો આપ્યા છે અને યુએનની શરણાર્થી એજન્સીનો અંદાજ છે કે 2022 ના અંતમાં વિશ્વમાં લગભગ 35 મિલિયન શરણાર્થીઓ હતા. ગયા વર્ષે યુકેમાં 74,751 એસાયલમના દાવાઓમાંથી 1.5 ટકા લોકોએ તેમના દાવાના આધાર તરીકે જાતીય અભિગમને ટાંક્યો હતો.’’
શ્રીમતી બ્રેવરમેને વારંવાર યુકેમાં ઇમિગ્રેશન વિશે વાત કરી છે અને અગાઉ યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ અને તેના અર્થઘટન અને સરકારની રવાન્ડા દેશનિકાલ યોજના જેવી નીતિઓ પરની અનુગામી અસર સાથેના તેમના અસંતોષનો સંકેત આપ્યો છે.
ઋષિ સુનકે તેમના કેબિનેટ સાથીદારની ટિપ્પણીઓને રદિયો આપતા કહ્યું હતું કે ‘’યુકેએ વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને એકીકૃત કરવાનું “અતુલ્ય સારું કામ” કર્યું છે.’’
પરંતુ તેની સામે યુએન કહે છે કે એસાયલમ કન્વેન્શન હંમેશ જેટલું જ સુસંગત છે અને તેણે “લાખો લોકોના જીવન” બચાવ્યા છે. લેબરે આ અંગે કહ્યું છે બ્રેવરમેન બ્રિટનમાં એસાયલમ કટોકટી પરની પકડ ગુમાવ્યા પછી પોતાની નિષ્ફળતાઓથી લોકોને વિચલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ચેરિટી એક્શન એઇડે કહ્યું છે કે “જરૂરિયાત ધરાવતી મહિલાઓને આશ્રય અને સલામતી આપવી એ માત્ર એક વિકલ્પ નથી, તે હિતાવહ પણ છે.”
હોમ અફેર્સ કમિટીના કન્ઝર્વેટિવ સભ્ય ટિમ લોફ્ટને જણાવ્યું હતું કે બ્રેવરમેનનો મુદ્દો યોગ્ય છે અને યુકે સમગ્ર વિશ્વ માટે શરણાર્થી શિબિર ન હોઈ શકે.
સુનક અને સુએલા બંને ઇમિગ્રન્ટ્સના સંતાનો છે.