2022માં વધુ ઝડપે કાર હંકારવા બદલ થતો દંડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પર પોઇન્ટ ટાળવામાં ઉપયોગી એવા વન-ટુ-વન સ્પીડ અવેરનેસ કોર્સની વ્યવસ્થા કરવા સિવિલ સર્વન્ટ્સને વિનંતી કરનાર હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનના આચરણની તપાસનો આદેશ આપવો કે કેમ તે અંગે વડા પ્રધાન ઋષિ સુનક હજી પણ વિચારી રહ્યા છે એમ નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું છે. વિપક્ષી દળોએ સરકાર પર તપાસમાં વિલંબનો આરોપ લગાવ્યો છે.
સુનકે તેમના નૈતિક સલાહકાર અને શ્રીમતી બ્રેવરમેન સાથે આ મુદ્દા વિશે વાત કરી છે. તેઓ હજુ નક્કી કરી રહ્યા છે કે તેણીએ મિનિસ્ટરીયલ કોડ તોડ્યો છે કે કેમ.
સોમવારે, શ્રીમતી બ્રેવરમેને જણાવ્યું હતું કે તેણીને “વિશ્વાસ છે કે કંઈપણ અનિચ્છનીય બન્યું નથી” પરંતુ તેમણે સિવિલ સર્વન્ટ્સને ખાનગી કોર્સની વ્યવસ્થા કરવા કહ્યું હોવા અંગે પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો. તેણીએ લાયસન્સ પર ત્રણ પોઈન્ટ્સ લઇને ગયા વર્ષે દંડ ચૂકવ્યો હતો.