ભારતીય મૂળના મિનિસ્ટર અને 41 વર્ષીય બેરિસ્ટર સુએલા બ્રેવરમેન, બ્રિટનના મિનિસ્ટર્સ માટે બનાવાયેલા મેટરનીટી લીવ કાયદાનો લાભ મેળવનાર પહેલા કેબિનેટ મિનિસ્ટર બન્યા હતા. તેમણે બીજા બાળકના જન્મ બાદ એટર્ની જનરલ તરીકે પોસ્ટ મેળવી ફરીથી કામકાજ શરૂ કર્યું છે.
સુએલા બ્રેવરમેન, યુકે સરકારના સૌથી વરિષ્ઠ લીગલ ઓફિસર છે અને છ મહિનાની પ્રસૂતિ માટેની રજાના અંતે સંસદની ફ્રન્ટબેંચ પર પોતાનું સ્થાન લેવા માટે તૈયાર છે. બ્રેવરમેને આ સપ્તાહની શરૂઆતમાં તેમની પ્રથમ કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી અને કોવિડ-19 લોકડાઉન વર્ચ્યુઅલ મીટિંગ બાદ 18 મહિનામાં ગાળા બાદ પ્રથમ વખત વડા પ્રધાન બોરિસ જૉન્સનની વરિષ્ઠ ટીમને રૂબરૂ મળ્યા હતાં. તેઓ આવતા અઠવાડિયે ફરીથી પોતાનો પોર્ટફોલિયો સંભાળશે.
ડેઝીગ્નેટેડ મિનિસ્ટર ઓન લીવ (એટર્ની જનરલ) બ્રેવરમેનની ગેરહાજરીમાં તેમના નાયબ સોલિસિટર જનરલ માઇકલ એલિસે એટર્ની જનરલ તરીકે સેવા આપી હતી. તેમની જગ્યા જેલ મિનિસ્ટર લ્યુસી ફ્રેઝર દ્વારા લેવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં, મંત્રીમંડળ અને અન્ય પ્રસૂતિ ભથ્થા બિલ પસાર થયા બાદ મેટરનીટી લીવનો અધિકાર લેનારા પ્રથમ કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા હતા. પહેલાં માત્ર જુનિયર મંત્રીઓ જ સંતાન થયા બાદ રજા લઇ શકતા હતા.
યુકેમાં અન્ય કર્મચારીઓ પૈકી મહિલાઓ 52 અઠવાડિયા સુધીની મેટરનીટી લીવ માટે હકદાર છે. જ્યારે પેટરનીટી લીવના નિયમો હેઠળ, પિતા બે અઠવાડિયાની વૈધાનિક રજા લઈ શકે છે અને કેટલીક વહેંચાયેલી પેરેંટલ લીવ માટે પણ અવકાશ છે.