ખાનગી ઇમેઇલથી સુરક્ષિત માહિતી મોકલીને મંત્રીની આચારસંહિતાનો ભંગ કરવા બદલ રાજીનામું આપનાર યુકેના નવા નિયુક્ત ભારતીય મૂળના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની પુનઃવરણીનો વડા પ્રધાન ઋષિ સુનકે મજબૂત બચાવ કર્યો હતો.
બ્રેવરમેને ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેમને સુનકે પુનઃનિયુક્ત કરતા તેણીના રાજીનામાની માંગ વધી હતી. વડા પ્રધાન તરીકેના તેમના પ્રથમ સંપૂર્ણ દિવસે, હાઉસ ઑફ કોમન્સમાં વડા પ્રધાનને પ્રશ્નો (PMQs) દરમિયાન વિપક્ષી નેતા સર કેર સ્ટાર્મરે સુનકને આ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ પણ બ્રેવરમેનની હોમ સેક્રેટરી તરીકે પુનઃનિયુક્તિનો બચાવ કર્યો હતો. લિબરલ ડેમોક્રેટ્સે પણ સુએલા બ્રેવરમેનની પુનઃનિયુક્તિ અંગે કેબિનેટ ઓફિસ તપાસની માંગણી કરી છે.
બ્રેવરમેને ભારતીય વિઝા ઓવરસ્ટેયર્સ વિશેની ટિપ્પણી કરતાં ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોને ઘણું નુકસાન પહોંચ્યું હતું. તેઓ ગોઅન મૂળના પિતા અને તમિલ મૂળની માતાની પુત્રી છે અને તેમનો જન્મ લંડનમાં થયો હતો.