એન્જિનિયરમાંથી સમાજસેવક બનેલા સુધા મૂર્તિએ ગુરુવાર, 14 માર્ચે તેમના પતિ એનઆર નારાયણ મૂર્તિની હાજરીમાં રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતાં. શપથ ગ્રહણ સમારોહમાં નારાયણ મૂર્તિને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ ભવનમાં તેમની ચેમ્બરમાં શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગૃહના નેતા પીયૂષ ગોયલ પણ હાજર હતા.
ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મોટાભાગે બાળકો માટેના ઘણા પુસ્તકોના લેખક સુધા મૂર્તિ 73 વર્ષના છે. ગયા શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેમને રાજ્યસભામાં નોમિનેટ કરાયા હતા. સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી સાહિત્યમાં તેમના યોગદાન માટે પણ પ્રખ્યાત છે અને તે સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર, પદ્મ શ્રી (2006) અને પદ્મ ભૂષણ (2023) એનાયતથી તેમનું બહુમાન થયેલું છે. તેમની પુત્રી અક્ષતાના લગ્ન બ્રિટનના વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનક સાથે થયા છે.
સુધા મૂર્તિ કોમર્શિયલ વ્હિકલ કંપની ટાટા એન્જીનીયરીંગ એન્ડ લોકમોટીવ (TELCO) સાથે કામ કરનાર પ્રથમ મહિલા ઈજનેર હતાં. તેમણે પતિને ઈન્ફોસિસ શરૂ કરવા માટે તેમના ઈમરજન્સી ફંડમાંથી રૂ. 10,000 આપ્યા હતા. આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે US$80 બિલિયનથી વધુ છે.