વાઘ બકરી બ્રાન્ડની ચા માટે જાણીતી ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે મોડી સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. દેસાઇ 49 વર્ષના હતાં.
દેસાઈને ઇસ્કોન આંબલી રોડ નજીક મોર્નિંગ વોક દરમિયાન 15 ઓક્ટોબરે તેમના નિવાસસ્થાન નજીક એક અકસ્માત થયો હતો. તેમને માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના પરિવારમાં તેમની પત્ની વિદિશા અને પુત્રી પરિશા છે.
દેસાઈએ ન્યુ યોર્કની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું અને તેઓ આ પ્રીમિયમ ચા બ્રાન્ડના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતાં. ગ્રૂપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરવા ઉપરાંત તેઓ આ બ્રાન્ડને નવી ઊંચાઈએ લઇ ગયા હતા. દેસાઇ જાણીતા ટી ટેસ્ટર અને ઇવેલ્યુએટર હતાં.
દેસાઈ 1995માં બિઝનેસમાં જોડાયા ત્યારે કંપનીનું વેલ્યુએશન 100 કરોડ રૂપિયાથી ઓછું હતું. આજે વાઘ બકરી ટી ગ્રૂપ તેમની છત્રછાયા હેઠળ રૂ.2,000 કરોડથી વધુના ટર્નઓવર અને 50 મિલિયન કિલો ચાના વિતરણ સાથેની ભારતની અગ્રણી પેકેજ્ડ ટી કંપની બની છે. વાઘ બકરી ગ્રપ ભારતના 24 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને આશરે 60 દેશોમાં નિકાસ કરે છે.