સહારા ઈન્ડિયાના ચેરમેન સુબ્રતા રોયની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે. પટણા હાઈકોર્ટએ તેમની ધરપકડ માટે વોરંટ ઈશ્યૂ કરી દીધું છે. તેની સામે ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહ્યા છે. આવા જ એક કેસમાં શુક્રવારે પટણા હાઈકોર્ટમાં તેમને હાજર રહેવાનું હતું, પરંતુ તેઓ કોર્ટ ન પહોંચ્યા. તેનાથી નારાજ હાઈકોર્ટે બિહાર, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ડીજીપીને આદેશ આપ્યો છે કે તેઓ સુબ્રતા રોયની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરે. સહારા કંપનીએ જુદીજુદી યોજનાઓમાં હજારો લોકો પાસે રોકાણના નામ પર રૂપિયા જમા કરાવ્યા હતા. મેચ્યોરિટી પછી પણ રૂપિયા પાછા ન આપ્યો. આ કેસમાં 2000થી વધુ લોકોએ પટણા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
સહારા જૂથના ચીફ સુબ્રતા રોયની છેતરપિંડીના મામલામાં ધરપકડ કરવા 21મી એપ્રિલ, 2022એ મધ્ય પ્રદેશ પોલીસ લખનૌ પહોંચી હતી. પરંતુ, મધ્ય પ્રદેશ પોલીસને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. મધ્યપ્રદેશ પોલીસ સુબ્રતા રોય તેમજ સહારા કંપનીના 8 લોકોની ધરપકડ માટે લગભગ બે કલાક સુધી સહારા સિટીમાં દરોડા પાડ્યા હતા. પરંતુ કોઈની ધરપકડ કરી શકાઈ ન હતી. પોલીસ બધાની સામે નોટિસ ચોંટાડીને પાછી ફરી ગઈ હતી અને આરોપીઓને 5 મે સુધી દતિયા પોલીસ મથકમાં હાજર થવા માટે કહ્યું હતું. મધ્ય પ્રદેશના દતિયા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર રવિન્દ્ર શર્મા મુજબ સહારા ફાઈનાન્સ કંપનીમાં લગભગ બે હજારથી વધુ રોકાણકારોના રૂપિયા ફસાયેલા છે. અલગ-અલગ સ્કીમોમાં રોકાણનો સમય પૂરો થયા પછી તેનું રિફંડ ન મળ્યું. એ બધા ઘણા વર્ષોથી સહારાની ઓફિસોના ચક્કર કાપી રહ્યા છે.
આ રોકાણકારો તરફથી સહારાના ડિરેક્ટર સુબ્રતા રોય, તેમના પત્ની સ્વપ્ના રાય સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરના 8 સભ્યો સામે કેસ નોંધાયો હતો. બોર્ડ ડિરેક્ટરના 8 સભ્યો સામે બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ થયું હતું. ઘણા વર્ષોથી આ કેસમાં કોર્ટમાં રજૂ ન થવાના કારણે સુબ્રતા રોય, સ્વપ્ના રોય, અનિલ કુમાર પાંડે, ડીકે શ્રીવાસ્તવ, રૂમી દત્તા, કરુણેશ અવસ્થી, રાના જિયા અને અબ્દુલ દબીર સામે બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ થયું હતું.