બ્રેન્ટ મ્યુઝિયમ અને આર્કાઇવ્સના સહયોગથી સબરંગ આર્ટ્સના લતા દેસાઇ અને રોલ્ફ કિલિયસ દ્વારા વિકસિત અને ક્યુરેટ કરાયેલું પ્રદર્શન ‘રૂટ્સ એન્ડ ચેન્જીસ – ગુજરાતી ઇન્ફ્લુઅન્સ’ બ્રિટીશ મ્યુઝિયમ ખાતે બહુ-પરિમાણીય પ્રદર્શન રજૂ કરવામાં આવી રહ્યું છે. 22 ઓગસ્ટ સુધી ચાલનારા આ પ્રદર્શન – પ્રોજેક્ટ યુકેમાં લંડન બરો ઑફ બ્રેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાતી ડાયસ્પોરાના પ્રભાવોને પ્રકાશિત કરે છે અને તેમાં શ્રેણીબદ્ધ માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટીવ પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રદર્શન તા. 17 મે 2021ના રોજથી બ્રેન્ટ મ્યુઝિયમ અને આર્કાઇવ, વિલસ્ડન ગ્રીન લાઇબ્રેરી – બીજા માળે, 95 હાઈ રોડ, વિલ્સડન, લંડન, NW10 2SF ખાતે સોમવારથી શુક્રવાર: સવારે 10.30 – બપોરે 2.30 અને શનિવાર અને રવિવાર 12 થી સાંજે 4 દરમિયાન જોઇ શકાશે.
આ પ્રદર્શનમાં નીસ્ડન મંદિરના વડા યોગવિવેક સ્વામી, હાસ્ય કલાકાર પાર્લે પટેલ, રાજકારણી કૃપેશ હિરાણી, ક્યુરેટર ડો.સુષ્મા જનસારી, કોરીયોગ્રાફર ઉર્જા દેસાઈ ઠાકોર, સંગીતકાર સારથી કોરવરની મુલાકાતો રજૂ કરવામાં આવનાર છે. ગુજરાતી મૂળના આ સર્વે અગ્રણીઓએ લંડનના સાંસ્કૃતિક લેન્ડસ્કેપને નોંધપાત્ર આકાર અને પ્રભાવ આપ્યો છે.
લતાબેન દેસાઇએ ‘ગરવી ગુજરાત’ને વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’અમે આ પ્રદર્શન માટે નીસડન ટેમ્પલમાં લીંપણ કામ અને એમ્બ્રોયડરીના વર્કશોપ કર્યા હતા. જેમા 400 મહિલાઓ જોડાઇ હતી. લિંપણ આર્ટના તે સેમ્પલ સહિત જયાબેન દેસાઇની આગેવાની હેઠળની ગ્રન્વીક સ્ટ્રાઇક, ઇલીંગ રોડ પરની ગુજરાતી શોપ્સનો પ્રભાવ અને માલિકોના ઇન્ટર્વ્યુ, બ્લોક પ્રિન્ટીંગ, ક્લે પોટ પેઇન્ટીંગ તેમજ બ્રિટિશ મ્યુઝિયમમાંથી લોન પર લેવાયેલ કેટલાક સેમ્પલ આ પ્રદર્શનમાં રજૂ થશે. વિવિધ વાર્તાલાપ તથા ગુજરાતી ફિલ્મ સ્ક્રીનીંગનો લાભ પણ મળશે.
ગુજરાતી પ્રજા વેપાર, કોલોનીઆલીઝમ, શૈક્ષણિક અને વ્યાવસાયિક વિનિમયના પ્રારંભિક આર્થિક સંબંધો દ્વારા આકાર પામનાર પ્રદેશમાંથી સ્થળાંતરનો લાંબા ઇતિહાસ ધરાવે છે. આ પ્રદર્શન સફળ સ્થળાંતરની ‘ગુજરાતી વાર્તા’ કહે છે, જેણે યુકેને સમૃદ્ધ બનાવ્યું છે. આ વાર્તાઓ તેમના કાર્ય અને લેઝર પેટર્ન દ્વારા કહેવામાં આવેલ છે. તેમના કાર્યમાં પરંપરાગત હસ્તકલા, વેપાર, આર્કિટેક્ચર, વાણિજ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા જેવા સાંસ્કૃતિક લક્ષણો શામેલ છે; જ્યારે લેઝરમાં સંગીત, નૃત્ય, ખોરાક, કુટુંબ અને આધ્યાત્મિક જીવન જેવી સાંસ્કૃતિક અભિવ્યક્તિઓનો સમાવેશ કરાયો છે.
આ પ્રોજેક્ટમાં ગુજરાત અને આફ્રિકાના પૂર્વ અને દક્ષિણ કિનારે આવેલા દેશોમાં વિકસેલા ગુજરાતી સમુદાયના વિવિધ સાંસ્કૃતિક મૂળ દર્શાવવામાં આવશે. 1960ના દાયકાથી યુકેમાં ગુજરાતીઓની વસાહત કેવી રીતે બદલાઇ રહી છે તેનો પોતાનો સમુદાય તો બદલાયો જ છે સાથેસાથે તેમના યજમાન દેશ યુકે અને અન્ય વસાહતી સમુદાયો પર પડેલી અસર અને પરિવર્તનને પણ પ્રકાશિત કરે છે.
આ પ્રદર્શનને નેશનલ લોટરી હેરિટેજ ફંડ દ્વારા અનુદાન મળ્યું છે. તમામ ઇન્ટરવ્યુ ઓગસ્ટ પછી વેબસાઇટ પર જોઇ શકાશે. માહિતી માટે જુઓ વેબસાઇટ www.rootsandchangesgujaratiinfluences.com