ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે આશરે રૂ.43,000 કરોડના ખર્ચ સાથે સ્વદેશી ધોરણે છ પરંપરાગત સબમરિનનના નિર્માણને મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ચીનના નૌકાદળની ક્ષમતામાં ઝડપથી વધારાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.
આ સબમરિનનું નિર્માણ વ્યૂહાત્મક ભાગીદારી મોડલ હેઠળ કરવામાં આવશે. આ મોડલ હેઠળ દેશની સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ હાઇ એન્ડ મિલિટરી પ્લેટફોર્મના ઉત્પાદન માટે વિદેશની અગ્રણી કંપનીઓ સાથે હાથ મિલાવી શકશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના વડપણ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં P-75 ઇન્ડિયા નામના આ મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. સ્વદેશી કંપની મઝગાંવ ડૉક્સ લિમિટેડ અને એલ એન્ડ ટીને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે બંને કંપનીઓ કોઈ એક વિદેશી શિપયાર્ડ સાથે મળીને સમગ્ર પ્રોજેક્ટની જાણકારી સોંપશે અને બિડ લગાવશે.
દરિયાઈ ક્ષેત્રોમાં પોતાનો પાવર વધારવા માટે ભારતીય નેવીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તેના અંતર્ગત 6 વિશાળ સબમરીન બનાવવામાં આવશે જે ડીઝલ-ઈલેક્ટ્રિક બેઝ્ડ હશે. તેની સાઈઝ વર્તમાન સ્કોર્પિયન ક્લાસ સબમરીન કરતા 50 ટકા મોટી હશે. ભારતીય નેવી દ્વારા સબમરીન માટે જે ડિમાન્ડ રાખવામાં આવી છે તેમાં તે હેવી ડ્યુટી ફાયરપાવરની સુવિધા ઈચ્છે છે. જેથી એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલની સાથે સાથે 12 લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલને પણ તૈનાત કરી શકાય.