સ્કેટીશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટલેન્ડ માટે ક્રિસમસ પછી અમલમાં આવે તે રીતના નવા કોવિડ પ્રતિબંધોની જાહેરાત કરી છે. જેમાં સ્કોટલેન્ડનમાં બે ઘરના લોકોને હળવા મળવા પર, દર્શકો માટે ફૂટબોલ મેચો પર પ્રતિબંધ મૂકવાનો અને પબ્સમાં ફક્ત ટેબલ-સર્વિસ આપવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ મંગળવારે સાંજે આ અહેવાલ લખાય છે ત્યારે વડા પ્રધાન જૉન્સને ઇંગ્લેન્ડ માટે 25 ડિસેમ્બર પહેલાં નવા અંકુશો લાદવાનું નકારી કાઢી જાહેર કર્યું હતું કે ક્રિસમસ ચોક્કસપણે ‘સાવધાનીપૂર્વક’ આગળ વધી શકે છે. પરંતુ ચેતવણી આપી હતી કે નવા વર્ષ વિશે કોઈ ગેરેંટી નથી.
દરમિયાન, યુકેમાં 24 કલાકમાં અન્ય 90,629 કોવિડ કેસ નોંધાયા હતા, જેમાં 172 મૃત્યુ થયા હતા. ઓમિક્રોન વેરિઅન્ટ સાથે વધુ 15,363 ચેપની પુષ્ટિ કરવામાં આવી છે, જે સાથે ઓમિક્રોનના કુલ 60,508 કેસો છે.
સ્કોટલેન્ડમાં મોટા પાયે જાહેર લાઇવ ઇવેન્ટ્સ પર મર્યાદાઓ મૂકવામાં આવશે. 27 ડિસેમ્બરથી સ્કોટલેન્ડમાં લોકોને સામાજિક મિલનને મર્યાદિત કરવા અને ઘરે રહેવા વિનંતી કરવામાં આવશે.
સ્કોટલેન્ડમાં ક્રિસમસ ડેના રોજ લોકોને પરિવાર સાથે હળવા-મળવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ સૌને સાવચેત રહેવાની વિનંતી કરવામાં આવી છે. પરંતુ 26 ડિસેમ્બરથી ત્રણ અઠવાડિયા માટે લાઇવ જાહેર કાર્યક્રમોમાં હાજરીની મર્યાદા મૂકવામાં આવશે.
શ્રીમતી સ્ટર્જને જણાવ્યું હતું કે ઇન્ડોર સ્ટેન્ડિંગ ઇવેન્ટ્સ માટે લોકોની મર્યાદા 100 લોકોની, ઇન્ડોર બેઠેલા લોકોની ઇવેન્ટ્સ માટેની મર્યાદા 200 લોકોની અને આઉટડોર ઇવેન્ટ્સ માટે 500 લોકો બેસી કે ઊભા રહી શકશે. સ્કોટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે જણાવ્યું હતું કે નવા પ્રતિબંધો વ્યવસાયો માટે ‘બીજો ફટકો’ હશે.