કોરોના વાઇરસના હવા દ્વારા ફેલાવા અંગે લેબોરેટરીમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં નવી બાબત જાણવા મળી છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હવા દ્વારા કોરોના વાઇરસના ફેલાવો અગાઉના અનુમાનોની સરખામણીએ ઘણા દૂર સુધી થઇ શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર છીંક ખાવાથી કે ખાંસીથી સંક્રમિત વ્યક્તિઓના મોઢામાંથી નીકળેલા અતિસુક્ષ્મ કણોમાં કોરોના વાઇરસની હાજરી અનુમાન કરતા વધુ સમય સુધી રહી શકે છે. આ કણ હવામાં વધુ અંતર તાપી શકે છે.
ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન્સ ઇન હીટ એન્ડ માસ ટ્રાન્સફર જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં નાની ટીપામાં કોરોના વાઇરસની હાજરી અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. અમેરિકન એનર્જી ડિપાર્ટમેન્ટની પેસિફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરી (પીએનએનએલ)ના સંશોધકોને જણાયું કે, મ્યુક્સ દ્વારા વાઇરસ ઘણા આગળ સુધી જઇ શકે છે.
પરંપરાગત સમજણ એવી છે કે, શ્વસનતંત્રમાંથી ઉત્પન્ન થનારા મોટાભાગના નાના ટીપા હવામાં તરત સુકાઇ જાય છે અને કોઇ નુકસાન થતું નથી. સંશોધકોનું અનુમાન છે કે, લાળના આવરણમાં ટિપા 30 મિનિટ સુધી ભીના રહી શકે છે અને લગભગ 200 ફૂટ સુધી જઇ શકે છે. આ અભ્યાસના એક લેખક લિયોનાર્ડ પીસે જણાવ્યું હતું કે, કોઇ સંક્રમિત વ્યક્તિ તરફથી અથવા સંક્રમિત વ્યક્તિના રૂમમાંથી બહાર નિકળ્યાની ઘણી મિનિટો પછી પણ એ રૂમમાં લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.