ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં વિલંબ થઈ રહ્યો હોવાના મુદ્દે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ રજૂઆત કરી છે.
હાલમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અભ્યાસ માટે જવા તૈયાર ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં વિલંબ થઈ રહ્યો છે. કોરોના પછી હવે ઓફલાઈન શિક્ષણ માટે તૈયાર ભારતીય સ્ટૂડન્ટ્સના વિઝાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જે તે દેશના અધિકારીઓ સમક્ષ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ વિઝાની સમયમર્યાદા, વિઝાની પ્રક્રિયા વગેરે બાબતે રીપોર્ટ માગ્યો હતો.
આ મુદ્દે વિદેશી અધિકારીઓએ પણ હકારાત્મક પ્રયાસો હાથ ધરાયાની ખાતરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે સ્ટૂડન્ટ્સ વિઝા બંને દેશો માટે લાભકારી છે અને એ દિશામાં તુરંત કામગીરી થશે તો ભારતના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે.
આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓ વિદેશમાં વિઝાની રાહ જોઈ રહ્યા છે તેની જાણકારી તો જાહેર થઈ ન હતી, પરંતુ વિદેશ મંત્રાલયે લોકસભામાં આપેલી જાણકારી પ્રમાણે અમેરિકા-કેનેડામાં બબ્બે લાખ, ઓસ્ટ્રેલિયામાં એક લાખ, બ્રિટનમાં ૫૫ હજાર, જર્મનીમાં ૨૦ હજાર વિદ્યાર્થીઓના એડમિશન થયા હતા. કોરોના મહામારી પછી હવે દુનિયાભરની યુનિવર્સિટીઝ અને કોલેજોમાં ઓફલાઈન અભ્યાસ શરૃ થયો હોવાથી વિદ્યાર્થીઓ ત્યાં જઈને અભ્યાસ કરવા ઉત્સુક છે. તેમને શક્ય એટલી ઝડપથી વિઝા મળે તે માટે ભારતના વિદેશ મંત્રાલયે રજૂઆતો કરી છે.