Rs. 38 lakhs were recovered from Yuvraj Singh's brother-in-law in the dummy scandal

વિવિધ સરકારી નોકરીઓની ભરતી પરીક્ષા તથા અન્ય જાહેર પરીક્ષામાં ડમી ઉમેદવારો થકી પરીક્ષાઓ આપવાના વર્ષોથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની શુક્રવારે મોડી રાત્રે ભાવનગર ખાતે રૂ. એક કરોડની ખંડણી ઉઘરાવવાના આરોપમાં ધરપકડ થઇ છે.

ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે યુવરાજસિંહ જાડેજા, તેમના સાળા કાનભા જાડેજા, શિવુભા જાડેજા, ઘનશ્યામભાઈ લાંભવા, બિપીન ત્રિવેદી અને રાજુ નામની મળી છ વ્યક્તિ સામે ડમી કૌભાંડમાં જ નામો નહીં જાહેર કરવા બદલ બે જુદા જુદા વ્યક્તિ પાસેથી કુલ રૂ. એક કરોડની રકમ પડાવી હોવાની જાહેરાત કરી હતી. પરમારે કહ્યું કે, સંબંધિત પુરાવા અને ગુપ્ત ચેટ, સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં IPC ૩૮૬, ૩૮૮, ૧૨૦-બી હેઠળ ગુનો દાખલ કરાયો છે. હવે યુવરાજસિંહ સહિતના આરોપીઓની વિધિવત ધરપકડ કરીને રિમાન્ડ મેળવાશે.

માર્ચ મહિનાથી ગુંજતા થયેલા ડમીકાંડમાં કેટલાક લોકોના નામો જાહેર નહીં કરવા બદલ લાખો રૂપિયાની લેવડ-દેવડના આરોપો વચ્ચે ભાવનગર પોલીસની SIT તથા SOG ટીમે સઘન તપાસ બાદ યુવરાજસિંહ જાડેજાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે બપોરે ૧૨ વાગે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા હતા. આઠેક કલાક સુધી સતત પૂછપરછ બાદ ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી ખંડણીખોરીની વિગતો જાહેર કરી હતી.

આઇજી પરમારે જાહેર કહ્યું કે, યુવરાજસિંહ જાડેજાએ ડમી કાંડમાં પ્રેસ કોન્ફરન્સમાં નામ ન જાહેર કરવા બદલ યુવક પ્રકાશ દવે ઉર્ફે પી.કે. પાસેથી રૂ. ૪૫ લાખ તથા પ્રદીપ બારૈયા પાસેથી રૂ. ૫૫ લાખ વસૂલ્યા હતા. યુવરાજસિંહના સાળા કાનભા જાડેજા અને શિવુભા જાડેજા, ઘનશ્યામ લાંભવા તથા બિપિન ત્રિવેદીએ ભાવનગરમાં જ ડીલ ફાઇનલ કરી હતી. બન્ને પાસેથી પ્રારંભમાં રૂ.૭૦-૭૦ લાખની માગણી થઇ હતી. જોકે, પી.કે. પાસેથી રૂ.૪૫ લાખમાં તથા પ્રદીપ બારૈયા પાસેથી રૂ.૫૫ લાખમાં આખરી ડીલ થઇ અને પેમેન્ટ અલગ અલગ સ્થળે મેળવાયા હતા. તમામના પુરાવા, સીસીટીવી ફૂટેજ, વોટ્સએપ ચેટ, નિવેદનોના આધારે ગુનો નોંધ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. પૂછપરછમાં યુવરાજસિંહે સતત અસ્પષ્ટ જવાબો આપ્યા હતા.

LEAVE A REPLY